- વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત ભરૂચ ખાતે નારી શકિત વંદના કાર્યક્રમ યોજાયો
- વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું મહિલા શકિતને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ
- કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યુ
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શકિત વંદના કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષપદે પ્રમુખ સ્વામી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષપદેથી ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજયની 182 વિધાનસભામાં 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂા.250 કરોડથી વધુની રાજય અને કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2014 મા સત્તા પર આવતા જ દેશની મહિલાઓને પ્રધાનમંત્રી જન ધન બેંક ખાતા ખોલાવીને તેમને બેંક સાથે જોડીને સમાજમાં મહિલાઓને આર્થિક રીતે ઉત્કર્ષ થાય તેવા પ્રયત્ન કર્યા હતા. વધુમાં આટલેથી ન અટકતા તેમને મહિલાઓને કેબિનેટમાં 33 ટકા આરક્ષણ આપીને મહિલાઓને રાજકીય ક્ષેત્રે આગળ આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ આર્થિક પગભર થયા તે અંગેના સ્વઅનુભવો વર્ણવીને લોકોને સરકાર મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મહાનુભાવોના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતિકાત્મક ચેકોનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા. નારી વંદન કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરિશ અગ્રવાલે નગરપાલિકા વિસ્તારમાં મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી આપીને સ્વાગત કર્યુ હતુ તથા ભરૂચ શહેરના મામલતદારે આભારવિધી કરી હતી.
આ પ્રસંગે સ્વ.સહાય જૂથની મહિલાઓના ઉત્પાદિત વસ્તુઓના તથા લીડ બેંક ના ફાયનાસિયલ લીટરસી માટેના સ્ટોલનું પ્રદર્શન યોજાયુ હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પ્રાંત અધિકારી આર.જે.શાહ, નગરપાલીકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા તથા તાલુકા પંચાયત સભ્યો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


