બે મહિનાથી બંધ રહેલા રસ્તાના બેરીકેટસ હટાવતી સૌ.યુનિવર્સિટી
કોંગ્રેસના વિરોધની ગંધ આવતા સત્તાધીશો એકશનમાં આવ્યાં : રોહિતસિંહ રાજપૂત
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં નવીનીકરણ પામેલો સીસી રોડ છેલ્લા અંદાજે બે મહિનાથી સંપૂર્ણ તૈયાર હોવા છતાં તેના પર બેરીકેટ્સ લગાવી રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂત સહિત વિદ્યાર્થી કાર્યકરો દ્વારા આ મુદ્દે પ્રતીકાત્મક વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યકરોના જણાવ્યા મુજબ, વિરોધ શરૂ થાય તેના એક કલાક પહેલાં જ યુનિવર્સિટી તંત્રને વિરોધની ગંધ આવતા ઉતાવળમાં રસ્તા પરથી બેરીકેટ્સ દૂર કરી દેવામાં આવ્યા.
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહે રાજપૂતે જણાવ્યું કે, “છેલ્લા બે મહિનાથી તૈયાર રોડ હોવા છતાં સતાધીશોના પેટમાં પાણી પણ હલ્યું નહોતું. પરંતુ કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોના વિરોધની જાહેરાત થતાં જ અચાનક સતાધીશો જાગ્યા અને બેરીકેટ્સ દૂર કરવાનો નિર્ણય લીધો.”
કાર્યકરોએ યુનિવર્સિટી તંત્રના નિર્ણયને આવકારતા જણાવ્યું કે, “અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અમારું કામ સૂતેલા સતાધીશોને જગાડવાનું અને વિદ્યાર્થીઓ તેમજ જનહિતના પ્રશ્નો ઉઠાવવાનું છે. હવે આ રસ્તો ખુલ્લો થતાં વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને રાહદારીઓને અવરજવરમાં સરળતા રહેશે તેમજ અકસ્માતનો ભય પણ ઘટશે.”
કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ ઉમેર્યું કે જનહિતના પ્રશ્નોમાં સમયસર નિર્ણય લેવો જોઈએ અને ભવિષ્યમાં કોઈપણ જાહેર સુવિધા તૈયાર થયા બાદ તેને વિલંબ વિના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી.
કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોથી આ રસ્તામાં મોટા-મોટા ખાડાઓ હોવાના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ રોજિંદા આવતા મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન અકસ્માતનો ભય સતત રહેતો હતો. તેથી યુનિવર્સિટી તંત્ર દ્વારા નવો સીસી રોડ બનાવવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ રસ્તો તૈયાર થયા પછી પણ તેને લાંબા સમય સુધી ઉપયોગ માટે બંધ રાખવો વ્યાજબી નથી.
રસ્તો બંધ હોવાથી યુનિવર્સિટીમાં આવનારા હજારો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માત્ર એક જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. તેના કારણે ટ્રાફિકનું ભારણ વધે છે તેમજ અવરજવરમાં સમયનો બગાડ થાય છે. જો તૈયાર થયેલો માર્ગ સમયસર શરૂ કરી દેવામાં આવ્યો હોત તો આ મુશ્કેલીઓથી રાહત મળી શકી હોત. આજે રસ્તો ખુલ્લો મુકાતા વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીમાં આવતા મુલાકાતીઓ તેમજ વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને જનહિતને લગતા પ્રશ્નોમાં તેઓ સતત સક્રિય રહી અવાજ ઉઠાવતા રહેશે.


