ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!
પ્રેમજાળમાં ફસાવી સગીરા પાછળ રાજકોટ સુધી પહોંચ્યો નરાધમ : યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને પ્રેમજાળમાં ફસાવી, તેના પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ સગીરાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેને પરાણે ગર્ભપાતની દવાઓ ખવડાવી દીધી હતી. આ ચકચારી મામલે યુની. પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢની વતની અને હાલ રાજકોટમાં આવેલ એક છાત્રાલયમાં રહી ધો.12 માં અભ્યાસ કરતી તરુણીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જુનાગઢના માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામના એક શખ્સ અને રાજકોટમાં ધરમનગરના ક્વાર્ટરમાં રહેતાં તેના ભત્રીજાનું નામ આપતાં યુની. પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં મળતી વિગત મુજબ, પીડિત સગીરા અગાઉ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તેની સાથે જ અભ્યાસ કરતા જૂનાગઢના કાત્રાસા ગામના એક શખ્સ સાથે તેની ઓળખાણ થઈ હતી. આ શખ્સે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી ગઈ હતી અને અહીં એક ગર્લ્સ છાત્રાલય (હોસ્ટેલ)માં રહીને ધોરણ 12નો અભ્યાસ કરતી હતી.
નરાધમ શખ્સને જેવી જાણ થઈ કે સગીરા રાજકોટ રહે છે, કે તરત જ તે સગીરાનો પીછો કરતો રાજકોટ દોડી આવ્યો હતો. જે બાદ ગઈ તા.08-03-2026 થી રાજકોટ આવેલા આ નરાધમે પોતાના ધરમનગર વિસ્તારમાં રહેતા ભત્રીજાનો સંપર્ક કર્યો હતો. સગીરાને લલચાવી-ફોસલાવીને તે ધરમનગરમાં આવેલા ભત્રીજાના સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો. અહીં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર કુકર્મ આચરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ સતત શોષણના કારણે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ જ્યારે આ અંગે આરોપીને જણાવ્યું ત્યારે નરાધમોએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો.
ગર્ભ રહી જતાં ગભરાયેલા મુખ્ય આરોપી અને તેના ભત્રીજાએ પાપ છુપાવવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો. તેઓએ સગીરાના કેટલાક બીભત્સ (અશ્લીલ) ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને સગીરાને ડરાવવામાં આવી હતી. સગીરા ભારે દબાણ હેઠળ આવી જતાં, બંને શખ્સોએ તેને બળજબરીપૂર્વક ગર્ભ ગર્ભપાત કરાવવાની દવાઓ પીવડાવી ગર્ભ પડાવી નાંખ્યો હતો.
જેના કારણે સગીરાની તબિયત પણ લથડી હતી. સમગ્ર મામલો અત્યંત ગંભીર બનતા આખરે પીડિત સગીરા અને તેના પરિવારે હિંમત ભેગી કરી રાજકોટના યુની. પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સગીર વયની બાળકી પર અત્યાચાર બદલ પોક્સો એક્ટ, દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ પીઆઈ સી. એન.દવે અને ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અને તેને સાથ આપનાર તેના ભત્રીજા બંનેની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી.


