રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત
શુકલ પીપળીયાના ૨૦ વર્ષિય યુવાનનું મોત થતાં પરિવાર શોકમય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા શુક્લ પીપળીયા ગામના 20 વર્ષીય યુવક કરણ સરવૈયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, કરણ મહેશભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 20, રહે.શુક્લ પીપળીયા ગામ, તા. જિ. રાજકોટ) ગત રાત્રીના બાર વાગ્યાં આસપાસ પોતાનું બાઈક લઈને રાજકોટથી શુક્લ પીપળીયા જતો હતો. ત્યારે બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા પુલ ઉતરતા રોડ પર એક ટ્રક ઉભો હતો. જે ધ્યાને ન આવ્યા કરણનું બાઈક ટ્રક પાછળ ધડાકાભેર અથડાયુ હતું. તેને માથે શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.
બનાવના પગલે રાહદારીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે અહીં તેને ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. કુવાડવા પોલીસે મૃતદેહ પીએમ રૂમે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. કરણ રાજકોટમાં પેડક રોડ પર આવેલા બંગડીના કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. પરિવારે કહ્યું કે, તે બાઈક લઈને રાજકોટ ચકર મારવા આવ્યો હતો. પછી પરત ઘરે પરત આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.


