- ઝાલોદથી લીમખેડા સુધીના રુટનું નિરીક્ષણ કરાયું
- CRPF અને જીલ્લા પોલીસ વડા નિરીક્ષણમાં જોડાયા
- કોગ્રેસના કાર્યક્રતાઓ તૈયારીઓને આપ્યો આખરી ઓપ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાંથી પસાર થવાના સંકેતો વચ્ચે પ્રદેશ નેતાઓએ જોરશોરથી તૈયારી કરી છે. રાજયમાં ઉતર, દક્ષિણ અને મધ્યભાગોના જીલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. લોકસભા ચૂંટણી પુર્વે બીજા તબકકાની ભારત જોડો ન્યાયયાત્રાએ નિકળેલા રાહુલ ગાંધીની યાત્રા હાલ ઉતરપ્રદેશમાં છે. 20 માર્ચે મુંબઈમાં સમાપન પુર્વે હજુ ગુજરાત સહિતના રાજયોમાં ફરવાની છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે. રાજસ્થાનથી ગુજરાતમાં યાત્રાનુ આગમન થશે અને મહારાષ્ટ્ર પહોંચશે.
રાહુલ ગાંધીની યાત્રા
ગુજરાતમાં પાંચ દિવસ ફરનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર ફોકસ કરવામાં આવ્યુ છે. આદિવાસી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક છે.ત્યારે આ વોટબેંક જાળવવા માટે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાગોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. પાંચ દિવસમાં રાજયના આઠ જીલ્લાઓને કવર કરવામાં આવશે અને ત્યાંથી યાત્રા પસાર થશે. આ જીલ્લાઓમાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી તથા ડાંગ જીલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભારત જોડો ન્યાયયાત્રાનું ફાઈનલ શિડયુલ હજુ આવ્યુ નથી છતાં માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ થવાનું અને તેના આધારે તૈયારી કરતા કહેવામાં આવ્યું છે. સિનીયર નેતાઓએ સમગ્ર રૂટનુ નીરીક્ષણ કર્યુ હતું અને રાહુલ ગાંધીની જાહેરસભા-રેલી, રોડશો વગેરે માટેના સંભવિત સ્થળોનો પણ રિપોર્ટ તૈયાર કર્યો છે. યાત્રાનો રૂટ નકકી થઈ ગયો હોવાથી તેમાં સામેલ થવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
તૈયારીઓને આખરી ઓપ
આઠ જીલ્લામાંથી પસાર થનાર યાત્રાના રૂટ પર કયા જાહેરસભા કરવી, કયા રોડ શો કરવો સહિતના આયોજન ગોઠવાઈ રહ્યા છે. 15મી જાન્યુઆરીથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા મણીપુરથી શરૂ થઈ હતી અને જુદા-જુદા રાજયોમાં ફરીને 20મી માર્ચે મુંબઈમાં પૂર્ણ થવાની છે. ગુજરાતમાંથી પણ તે પસાર થવાની છે. માંડ એકાદ પખવાડીયુ બાકી રહ્યું છે ત્યારે પ્રદેશ નેતાઓ દ્વારા તૈયારીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સિનીયર નેતાઓએ જવાબદારી ઉપાડીને રૂટનુ નિરીક્ષણ પૂર્ણ કર્યુ હતું.


