- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારે 9 વાગે પરીક્ષા કેન્દ્રો પર પેપર પહોંચશે
- રાજ્યની 5,378 બિલ્ડિંગના 54,294 બ્લોક આજથી પરીક્ષામય બની જશે
- પરીક્ષાનું સંચાલન અને મોનિટરિંગ કરવા કુલ 1 લાખ અધિકારી-કર્મચારી તહેનાત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ 10 અને 12ના કુલ 15,38,953 વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટેક્નિકલ સિક્યુરિટી સાથે સવારે 9 વાગ્યા સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો પહોંચી જશે. રાજ્યની 5,378 બિલ્ડિંગના 54,294 બ્લોક તા.11 માર્ચને સોમવારથી પરીક્ષામય બની જશે. વિદ્યાર્થી અને વાલીઓ સાથે પરીક્ષા કામગીરી માટે સમગ્ર શિક્ષણ બોર્ડ, તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ તંત્ર, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજે 1 લાખ જેટલા અધિકારી-કર્મચારીઓને જોડવામાં આવ્યાં છે.
તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સવારે 9 વાગ્યે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે. ધોરણ 10માં 9, 17, 687 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં પ્રથમ પેપર ભાષાનું રહેશે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન
130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું. ધો – 12 સામાન્ય પ્રવાહમાં 4, 89, 279 વિદ્યાર્થી આપશે પરીક્ષા. ધો – 12 વિજ્ઞાન પ્રવાહમાં 1, 32, 073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પરીક્ષામાં મોનિટરિંગ માટે 1 લાખ અધિકારી – કર્મચારી તૈનાત. આજથી ધો.10-12ના 15,38,953 વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે કુલ 15,38,953 વિદ્યાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ 1.10 લાખ વિદ્યાર્થી ઘટયા છે. ગત વર્ષે 16,49,058 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થી 7,06,321, ખાનગી નિયમિત 12,797, રિપીટર 1,65,845, ખાનગી રિપીટર 4,570, આઈસોલેટેડ 28,154 મળી કુલ 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 3,184 બિલ્ડિંગના 31,829 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થી 1,11,549 નોંધાયા છે, રિપીટર 20,438 મળી કુલ 1,31,987 વિદ્યાર્થી નોંધાયા છે, જેના માટે 147 કેન્દ્ર પર 614 બિલ્ડિંગના 6,714 બ્લોકનો ઉપયોગ કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 3,80,269, રિપીટર 61,130, આઇસોલેટેડ 4,940, ખાનગી નિયનિત 29,523, ખાનગી રિપીટર 13,417 મળી કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 506 કેન્દ્ર પર 1,580 બિલ્ડિંગના 15,751 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
બોર્ડ પરીક્ષામાં આ વખતે નવું શું ?
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો 30 ટકા પૂછાશે, અગાઉ 20 ટકા પૂછાતા હતાં . બોર્ડની પરીક્ષામાં પ્રથમવાર 70 ટકા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ મળશે, જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગત વર્ષની સરખામણીએ આ વખતે કુલ પરીક્ષાર્થીઓમાં 1.10 લાખનો ઘટાડો થયો, પરીક્ષા બે દિવસ વહેલી શરૂ થશે. ધો.10માં 3 વિષયમાં નાપાસ થનાર, ધો.12 સા.પ્ર.માં 2 વિષયમાં પુરક પરીક્ષા, ધો.12 સાયન્સમાં તમામ વિષયની બે વખત પરીક્ષા, શ્રેષ્ઠ પરિણામ પસંદ કરી શકાશે. વિદ્યાર્થી મોબાઇલ કે અન્ય સાહિત્ય ભુલથી પરીક્ષા ખંડમાં સુધી લઈ જશે તો, પેપર ખૂલ્યાં પહેલાં તે જમા કરાવવાની ખંડ નિરીક્ષક દ્વારા તક અપાશે. દર વખતે ગેરહાજર વિદ્યાર્થી હોય તો પણ પેપર તેના બેઠક સ્થાને મુકાતુ અને તે 30 મિનિટ સુધી ત્યાં જ રહેતું, આ વખતે વધેલુ પેપર સીલ જ કરી દેવાશે, વિદ્યાર્થી આવશે તો રોજકામ કરી તેને આપવામાં આવશે
એકપણ પરીક્ષા કેન્દ્ર વર્ગ-1 કે 2ના અધિકારી વિના નહીં હોય
બોર્ડની પરીક્ષા અન્વયે તમામ જિલ્લા કલેક્ટર દ્વારા તેમના તાબા હેઠળના જિલ્લામાં ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવાની ડયૂટી સોંપાઈ છે. એટલે કે, પરીક્ષા દરમિયાન એકપણ કેન્દ્ર એવું નહીં હોય કે, જ્યાં વર્ગ-1 અને 2ના અધિકારીની ઉપસ્થિતિ ના હોય. રાજ્યમાં 666 જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે. બોર્ડ દ્વારા સ્ક્વોડની કુલ 85 ટીમ બનાવવામાં આવી છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 246 વિદ્યાર્થીઓને રાઇટર ફાળવાયા
સોમવારથી શરૂ થતી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળી કુલ 246 વિદ્યાર્થીઓને રાઈટરની મદદ અપાઈ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમને રાઈટર મળ્યા છે તે દિવ્યાંગ હોવાનું જાણવા મળે છે. જ્યારે બીમારી કે અકસ્માત સહિતના કિસ્સામાં સિવિલ સર્જનના સર્ટિફિકેટના આધારે રાઇટર ફળવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 194 રાઇટરની મંજૂરી આપી છે, જેમાં ધોરણ 10ના 101, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 89 અને સાયન્સના 4 મળી કુલ 93 વિદ્યાર્થીઓને રાઈટરની ફળવણી કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 32 અને ધોરણ-12ના 20 વિદ્યાર્થીઓને રાઇટર ફળવાયા છે.
બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે
અમદાવાદ શહેર પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્ટેન્ડ ટુ રહેશે તેવા આદેશો જારી કરાયા છે. ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાય, અકસ્માતનો ભોગ બને અને નાની મોટી ઈજા થાય કે તેઓની સ્લીપ કે અગત્યના કાગળો ખોવાઈ જાય તો પોલીસની મદદ મેળવી શકશે. આ માટે પોલીસ કંટ્રોલરૂમના 100 નંબર ફોન કરવાનો રહેશે. પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવા માટે મદદ કરશે. આ અંગે પોલીસ કંટ્રોલરૂમને ડીસીપી કોમલ વ્યાસે જાહેરનામું પાડીને આદેશ જારી કર્યો છે. ખાસ કરી બોર્ડના વિદ્યાર્થીઓના કંટ્રોલરૂમમાં આવતા ફોનને પહેલા પ્રાયોરીટી આપવા માટે પોલીસને સૂચના જારી કરાયો છે.


