- પરિવારના લોકો જેને પોતાનો ગઢ સમજતા હતા એ ગઢ ધરાશાયી થઇ ચૂક્યો છે
- આઝમગઢમાં 34,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, શિલાન્યાસ
- પાંચ શહેરને નવું એરપોર્ટ મળ્યું, લખનઉમાં નવા ટર્મિનલનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં મંદૂરી એરપોર્ટ પરિસર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રૂ. 34,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે દોડી રહ્યો છું અને દેશને તેજ ગતિએ દોડાવી રહ્યો છું. જે આઝમગઢની ગણતરી પછાત વિસ્તારોમાં થતી હતી તે આજે વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. સપા પર પ્રહારો કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે જે પરિવારો જેને પોતાનો ગઢ સમજતા હતા એ ગઢ પણ ધરાશાયી થઇ ચૂક્યો છે. વડાપ્રધાને દેશભરમાં રૂ. 9,800 કરોડથી વધુ મૂલ્યનાં 15 એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતાં. તેમણે પૂણે, કોલ્હાપુર, ગ્વાલિયર, જબલપુર, દિલ્હી, લખનઉ, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મુરાદાબાદ, શ્રાાવસ્તી અને આદમપુર એરપોર્ટનાં 12 નવા ટર્મિનલ ભવનોનું ઉદઘાટનઅને કડપ્પા, હુબલી તથા બેલાગવી એરપોર્ટનાં ત્રણ નવા ટર્મિનલ ભવનોનો શિલાન્યાસ કર્યો હતો.
છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો શુભારંભ કરાવતા આ યોજના હેઠળ પ્રથમ હપ્તો વહેંચ્યો હતો. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા, તેમને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા, લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા અને પરિવારમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાને મજબૂત બનાવવાનો હેતુ ધરાવતી આ યોજનાથી રાજ્યની તમામ પાત્ર વિવાહિત મહિલાઓને લાભ મળશે.
લખનઉ એરપોર્ટ માટેની અમારી દૃષ્ટિ દૂરંદેશીપૂર્ણ : કરણ અદાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંકલિત ટર્મિનલ-3 ખુલ્લું મૂક્યું હતું. રૂ. 4,500 કરોડ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 4,000 મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે બોલતા અદાણી પોર્ટ્સ અને SEZ મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચૌધરી ચરણસિંહ એરપોર્ટ માટેની અમારી દૃષ્ટિ ઘણી મોટી અને દૂરંદેશીપૂર્ણ છે. આ એરપોર્ટ માટેના માસ્ટર પ્લાનનો આખરી હેતુ 2047-48 સુધીમાં વાર્ષિક 3.80 કરોડ પ્રવાસીઓનું સંચાલન કરવાનો છે.


