- ટેસ્ટ એટલાસે વિશ્વની સૌથી લોકપ્રિય 50 સેન્ડવિચની યાદી બહાર પાડી
- વડાપાંઉ માત્ર મહારાષ્ટ્ર જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે
- વૈશ્વિક ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ એટલાસે તાજેતરમાં જ વિશ્વની 50 સર્વશ્રોષ્ઠ સેન્ડવિચની યાદી જાહેર કરી
મુંબઇ એક એવું શહેર જેના માટે કહેવાય છે કે તે ક્યારેય સૂતું નથી અને જ્યાંના લોકો ઘડિયાળના કાંટે દોડતા રહે છે અને તેથી જ મુંબઇગરાઓમાં શહેરનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ લોકપ્રિય છે અને શહેરની અડધી વસતીને ભૂખ લાગે ત્યારે તેઓ પોતાની ભૂખ ભાંગવા માટે ખુશીથી વડાપાંઉને પસંદ કરે છે. આ ખાદ્યપદાર્થ માત્ર મહારાષ્ટ્ર જ નહીં બલકે દેશના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો ખૂબ જ પ્રેમથી તેને આરોગે છે. આ ભારતીય વ્યંજન જે મુંબઇગરાઓ માટે મુખ્ય નાસ્તા સમાન છે તેણે લોકોમાં ખૂબ લોકપ્રિયતા અને પ્રેમ સંપાદિત કર્યો છે અને હવે વડાપાંઉને હવે વિશ્વની શ્રોષ્ઠ સેન્ડવિચની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
યાદીમાં વડાપાંઉને 4.3 રેટિંગ પ્રાપ્ત થયું
વૈશ્વિક ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ એટલાસે તાજેતરમાં જ વિશ્વની 50 સર્વશ્રોષ્ઠ સેન્ડવિચની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મુંબઇના વડાપાંઉને 19મું સ્થાન પ્રદાન કરાયું છે. વડાપાંઉને 4.3 રેટિંગ પ્રાપ્ત થયું હતું. વિયેતનામની બાન મી સેન્ડવિચ અને તુર્કીની તોમ્બિક ડોનર સેન્ડવિચ 4.6 રેટિંગ સાથે ટોચના સ્થાને છે.
અશોક વૈદ્ય નામક સ્ટ્રીટ વેન્ડર વડાપાંઉનો જનક
ટેસ્ટ એટલાસના જણાવ્યા અનુસાર લોકપ્રિય વ્યંજન વડાપાંઉની સર્વપ્રથમ વાર શોધ મુંબઇના સ્ટ્રીટ વેન્ડર અશોક વૈદ્યે 1960-70ના દાયકામાં કરી હતી. વૈદ્ય મુંબઇના દાદર રેલવે સ્ટેશન નજીક દુકાન ચલાવતો હતો. વૈદ્યે ભૂખ્યા દાડિયા કામદારોની ભૂખ ભાંગવા અને તેમને પરવડી શકે તેવી ડિશ ઉપલબ્ધ કરાવવા માટે વડાપાંઉની શોધ કરી હતી.


