- એકતા કપૂરે રોજના 1,800 રૂપિયા લેખે ટીવી શ્રોણીમાં નોકરી આપી હતી : ઇન્ટરવ્યૂમાં ખુલાસો
- એકતા કપૂરની ‘ક્યૂંકી સાસ ભી…’એ નવી ઓળખ આપી; આ ઓળખ રાજકારણમાં પ્રવેશવા માટે ફાયદાકારક રહી
- કેરિયરની શરૂઆતમાં તેઓ ખૂબ ઓછું કમાતાં હતાં
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પોતાના રાજકીય જીવન પહેલાંના સમયમાં સમૂહમાધ્યમ ટીવી શ્રોણીઓમાં પગારદાર તરીકે નોકરી કરતાં હતાં. તેમણે ખુલાસો કર્યો છે કે, જ્યોતિષની સલાહ બાદ એકતા કપૂરે તેમને ટીવી શ્રોણી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં નોકરી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે કેરિયરની શરૂઆતમાં તેઓ ખૂબ ઓછું કમાતાં હતાં, પરિણામે ગરીબીની સ્થિતિ હતી.
એક તાજા ઇન્ટરવ્યૂમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, મારા વ્યક્તિત્વના કારણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં કામ નહોતું મળ્યું. હકીકતે, એકતા કપૂરની ઓફિસમાં એક જ્યોતિષ બેઠા હતા, જેણે મને દૂરથી જોઈ અને મને રોકાવા માટે કહ્યું. એ જ્યોતિષીનું નામ જનાર્દન હતું. તેમણે મને કહ્યું કે, ‘તું એક દિવસ મોટી સ્ટાર બનીશ’. સાથે જ, તેમણે એકતાને પણ કહ્યું હતું કે, ‘જો તે મારી સાથે કામ કરશે તો તે દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ જશે.’
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘મને ખબર નહોતી કે પંડિતની પાછળ એકતા પણ ઊભી હતી. હું તો બીજા શોનો કોન્ટ્રેક્ટ સાઇન કરવા ગઈ હતી. જ્યોતિષની વાત સાંભળીને એકતા તરત જ મારી પાસે આવી અને મને પૂછયું કે હું કયો કોન્ટ્રેક્ટ સાઇન કરવા આવી છું.’
એકતા કપૂરે એક દિવસના 1,800 રૂપિયાની નોકરી આપી
સ્મૃતિ ઈરાની તે સમયે મેક્ડોનાલ્ડ્સમાં કામ કરતાં હતાં અને તેમનો માસિક પગાર 1,800 રૂપિયા હતો, એમ કહીને તેમણે જણાવ્યું તે, ‘તે શો માટે મને રોજના 1,200-1,300 રૂપિયા મળવાના હતા. આવી સ્થિતિમાં રોજના 1,200 રૂપિયા વધુ સારા લાગ્યા.’ તેમણે કહ્યું કે, ‘આ બધું જાણ્યા પછી, એકતાએ કરાર તોડી નાખ્યો અને મને 1,800 રૂપિયા પ્રતિદિનના પગારે તુલસી વિરાણીના રોલમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું. આ સાંભળીને હું ચોંકી ગઈ. જ્યાં વાસણો ધોઈને મહિને હું 1,800 રૂપિયા કમાતી હતી, ત્યાં હવે મને રોજના 1,800 રૂપિયા મળવાના હતા. આ ક્ષણ મારા માટે ખરેખર ખૂબ મહત્ત્વની હતી. મને લાગ્યું કે મને લોટરી લાગી.’
કસુવાવડ છતાં શૂટિંગ માટે બોલાવ્યાં
આ સિરિયલના શૂટિંગ દરમિયાન સ્મૃતિ એક જ દિવસમાં બે શિફ્ટમાં કામ કરતાં હતાં. દિવસે તેઓે રવિ ચોપરાની ‘રામાયણ’ માટે શૂટિંગ કરતાં હતાં, જ્યારે સાંજની શિફ્ટમાં ‘ક્યૂંકી સાસ ભી કભી બહુથી’ માટે શૂટિંગ કરતાં હતાં. સમૃતિ ઈરાનીએ ભૂતકાળને યાદ કર્યો કે એક સમય એવો હતો જ્યારે તેઓ ગર્ભવતી હતાં છતાં શૂટિંગ કરતાં હતાં. તેમાં, ઘરે જતી
વખતે તેઓની કસુવાવડ થઈ ગઈ હતી. જોકે, કસુવાવડ થવા છતાં, બીજા દિવસે તેમને શૂટ માટે બોલાવવામાં આવ્યાં હતાં. સ્મૃતિ ઈરાનીના જણાવ્યા અનુસાર, તેમના સહકલાકારોએ નિર્માતા એકતા કપૂરને કહ્યું હતું કે, ‘કસુવાવડના સમાચાર ખોટા છે’. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની બીજા દિવસે મેડિકલ રિપોર્ટ લઈને એકતા પાસે ગયાં હતાં.
આ શોના કારણે રાજકારણમાં પહોંચ્યાં
આ ટીવી સિરિયલને કારણે સ્મૃતિને નવી ઓળખ મળી હતી અને તેઓ આ ઓળખનો ફયદો તેમને રાજકારણમાં જોડાવા માટે મળ્યો. આજે તે દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંનાં એક છે. તેમણે અમેઠીથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. હાલ તેઓ મોદી કેબિનેટમાં મહિલા-બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યાં છે.


