- ચંદ્રાલા પાસે પોલીસ ચેકિંગમાં હથિયાર ઝડપાયા
- કેરાલાના યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
- ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા નાકાપોઈન્ટ પર વાહન ચેકિંગ કરાયું
ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે ટ્રાવેલ્સ બસમાંથી યુવક હથિયારો સાથે ઝડપાયો હતો. પોલીસ ચેકિંગ દરમિયાન કેરાલાના યુવક પાસેથી ગેરકાયદે પિસ્ટલ અને 20 કારતૂસ મળી આવ્યા હતા. ચિલોડા પોલીસે પિસ્ટલ અને કારતૂસ કબજે કરીને આરોપી સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો હતો.
ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા નાકાપોઈન્ટ પર વાહન ચેકિંગ કરાયું હતુ. ત્યારે જયુપરથી અમદાવાદના રુટની મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં ચેકીંગ કરાયું હતું. દરમિયાન બસમાં બેસેલા એક પેસેન્જરે સામાન તપાસવા માટે કપડાનો થેલો ખોલવા માટે આનાકાની કરી હતી. જેથી પોલીસને શંકા જતા પંચોની હાજરીમાં થેલાને ખોલવામાં આવતા એક પિસ્ટલ તથા 20 નંગ કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે મુસાફરનું નામ પુછતા તે કેરાલાનો મોહમ્મદ સુહેલ અબ્દુલ રશીદ (રહે- સુમાયા કોટેજ, ઉપલ્લા ટાઉન) હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે હથિયાર રાખવાના લાઇસન્સની માંગણી કરતા નહીં હોવાનુ જણાવ્યુ હતું. જેથી આ હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને આપવાનું છે તે અંગે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી ઇસમના કબજામાંથી આધારકાર્ડ, મોબાઇલ ફોન, થેલો, પિસ્ટલ અને કારતુસ મળીને કુલ 29 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. યુવક સામે વિરુધ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.


