- ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં કાર્યવાહી
- હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરાઈ હતી
- અત્યાર સુધી 5 આરોપીઓની કરાઈ છે ધરપકડ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ત્રણ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યા પોલીસે ત્રણેય આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી.તો કોર્ટે 20 માર્ચ સુધી બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે,રિમાન્ડ દરમિયાન આરોપીઓને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે. અભ્યાસ અર્થે આવેલા વિદેશી નાગરિક સાથે ગેરવર્તણૂક કરવી તે યોગ્ય નહિ. આ ત્રણ મુખ્ય બાબતે રિમાન્ડની માગ કરવામા આવી હતી. હાલ આ ત્રણેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.
આરોપીઓ VHP અને બજરંગ દળના સદસ્યો
પકડાયેલા પાંચેય આરોપી ભાજપની ભગીની સંસ્થા તરીકે ઓળખાતી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા છે. ક્રાઈમ બ્રાંચ અને અન્ય સ્થાનિક પોલીસની એજન્સીઓ દ્વારા આરોપીઓનું પગેરુ મેળવવાની સતત ગઈકાલથી જ રાતદિવસ પ્રયાસ હાથ ધરાયા છે. તેના ફળસ્વરૂપ પાંચ આરોપીઓ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયા છે. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓના હોદ્દા અને અન્ય બાબતોનો ખુલાસો થયો છે.આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર તરીકે ક્ષિતિજ પાંડેનું નામ ખુલ્યુ છે. વાયરલ વીડિયોમાં ખેસ પહેરેલો જે યુવક દેખાઈ રહ્યો છે તે આ સમગ્ર ઘટના માટેનો માસ્ટર માઈન્ડ હોવાનુ સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે આ ક્ષિતિજ પાંડેની પણ અટકાયત તેની સઘન પૂછપરછ હાથધરી છે કે મામલો કઈ રીતે બિચક્યો હતો અને હુમલો પૂર્વ આયોજિત હતો કે અચાનક ઘટના ઘટી હતી.
કોની થઈ ધરપકડ
આ ઘટનામાં ક્ષિતિજ પાંડે ઉપરાંત અન્ય કોણ કોણ હતુ અને તેમની શું ભૂમિકા રહેલી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ ગઈકાલે જે બે આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે પૈકી હિતેશ મેવાડા મેમનગર જિલ્લા બજરંગ દળનો સહમંત્રી છે. ભરત પટેલ વિશ્વ હિંદુ પરિષદ સહમંત્રી છે. ક્ષિતિજ પાંડે બજરંગ દળ સાપ્તાહિક મિલનનો મેમનગર પ્રાંતનો પ્રમુખ છે અને જીતેન્દ્ર પટેલ બજરંગદળ ઉપાસના કેન્દ્રનો પ્રમુખ છે. આ ઉપરાંત એક સાહિલ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
બચાવ પક્ષે રજૂ કર્યા 8 મુદ્દા
1 – નમાજ પઢવીએ શૈક્ષણિક સંસ્થાને લગતી ક્રિયા ન હતી
2 – આરોપીઓને શંકાસ્પદ લાગતાં તેમણે પૂછપરછ કરી
3 – દરમિયાન નમાજ પઢતા એક વ્યક્તિએ પૂછપરછ કરનારને લાફો માર્યો જે વિડિયોમાં સ્પષ્ટ છે
4 – યંગ વ્યક્તિઓ હોવાને કારણે આરોપીઓ ઉશ્કેરાયા અને આ ઘટના બની
5 – દેશભરમાં અશાંતિનું ઘણી જ્ગ્યાએ વાતાવરણ છે ત્યાં કોઇ જગ્યાએ એકઠા થયેલા વ્યક્તિ નૈતિક કે અનૈતિક કાર્યવાહી કરે છે કે કેમ તેની તપાસ કરવી એ ગુનો નથી
6 – વ્યક્તિ સ્વાતંત્ર્યતાના સિધ્ધાંતને ધ્યાને લેવા જોઇએ
7 – પોલીસ છરીનો ઉપયોગ થવાની વાત કરે છે પણ ફરિયાદમાં કે રિમાન્ડ અરજીમાં છરીનો ઉલ્લેખ નથી
8 – સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇ હોય તો રીમાન્ડ ન આપવા જોઈએ



