- રિનોવેશનનો વિડીયો સામે આવ્યા બાદ ચર્ચાનું બજાર ગરમાયું
- ઇજિપ્તની સુપ્રીમ એન્ટિક્વિટીઝ કાઉન્સિલના વડાએ શેર કર્યો વિડીયો
- ઐતિહાસિક સ્મારકના રિસ્ટોરેશનને લઈને લોકોએ કર્યા તીખા સવાલ
ઇજિપ્તના ગીઝામાં આવેલા મેનક્યોર પિરામિડનું રિસ્ટોરેશનનું કામ શરૂ થઇ ગયું છે. આ પિરામિડ 2532 થી 2515 BC ની વચ્ચે હોવાનું કહેવાય છે. રિનોવેશનનો વિડીયો સામે આવ્યા બાદ ચર્ચાનું બજાર ગરમાઈ ગયું છે, કેટલાક લોકો આ કામની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 4500 વર્ષ જૂના ઐતિહાસિક સ્થળને નષ્ટ કરવાનું કામ થઈ રહ્યું છે, લોકોનો આરોપ છે કે જે રીતે પિરામિડ બનાવવામાં આવ્યો હતો તે રીતે રિનોવેશન નથી થઈ રહ્યું.
પિરામિડ પર મૂકવામાં આવી રહ્યા છે નવા પથ્થરો
ઇજિપ્તની સુપ્રીમ એન્ટિક્વિટીઝ કાઉન્સિલના વડા મુસ્તફા વઝીરીએ રિસ્ટોરેશનનો વિડીયો ફેસબુક પર શેર કર્યો હતો, ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. ઇજિપ્તીયન-જાપાનીઝ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા વઝીરીએ જણાવ્યું હતું કે ટીમ ત્રીજા પિરામિડના ગ્રેનાઈટ બ્લોક્સને ફરીથી એસેમ્બલ કરશે. પિરામિડનું બહારનું આવરણ મૂળ રીતે ગ્રેનાઈટ બ્લોક્સથી બનેલું, પરંતુ કેટલાક ગ્રેનાઈટ બ્લોક સમય જતાં ખરાબ થઈ ગયા હતા અથવા તો સાવ પડી ગયા હતા. વઝીરીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આમ કારણે થયું હતું અને ટીમ તેમને બદલવા માટે કામ કરી રહી છે. વઝીરીના જણાવ્યા અનુસાર, ટીમ ગ્રેનાઈટ લેયરને ફરીથી લગાવશે. તેમણે આ કાર્યને ‘એકવીસમી સદીમાં વિશ્વને ઇજિપ્તની ભેટ’ ગણાવી છે.
લોકોએ કર્યા ગંભીર સવાલો
રિસ્ટોરેશનનો વિડીયો સામે આવ્યા બાદ એક ફેસબુક યુઝરે લખ્યું કે, ‘પ્રાચીન ઈજિપ્તવાસીઓએ લગભગ સમાન કદના પત્થરોથી પિરામિડ બનાવ્યા હતા, તેનું સમારકામ કેમ ન થયું? અમે જે નોંધ્યું છે તે એ છે કે દરેક પથ્થર કદમાં અલગ છે, જેના પરિણામે પ્રાચીન ઇજિપ્તના સ્થાપત્યથી વિપરીત કાર્ય થાય છે.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘પાયાનું ખોદકામ કરવું એ સારો વિચાર છે પરંતુ બાકીના પિરામિડના અવશેષોને વધુ નુકસાન પહોંચાડશે. તમે કેવી રીતે વિચારી શકો કે 4500 વર્ષ પછી પિરામિડ બદલવાનું તમારું કામ છે?’
7 મીટર ઘટી ગઈ પિરામિડની ઊંચાઈ
આ દરમિયાન અન્ય યુઝર્સે પણ કટાક્ષ કરતાં જવાબ આપ્યો હતો. તેણે પૂછ્યું હતું કે, ‘પીસાના લીનિંગ ટાવરને સીધો કરવાનો પ્રોજેક્ટ ક્યારે બનાવવાનો છે?’ બીજાએ લખ્યું ‘ટાઈલ્સને બદલે, પિરામિડ પર વૉલપેપર કેમ નથી લગાવતા?’ ઇજિપ્તના ગીઝા શહેરમાં પિરામિડની સંખ્યા ત્રણ હોવાનું કહેવાય છે, જેમાં સૌથી ઊંચા પિરામિડની ઊંચાઈ 146 મીટર હોવાનું કહેવાય છે, જે સમય જતાં ઘટીને 139 મીટર થઈ ગયું છે.


