સોયાબીન તેલમાંથી સિંગતેલ-સૂરજમુખી તેલ બનાવવાનું કારસ્તાન ઝડપાયું
ગોંડલના ભોજપરામાં મુરલીધર પ્રોટીન્સના શેડમાં એસઓજીનો દરોડો; ૨,૯૯૫ કિલો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો કબજે ; ફૂડ સેફ્ટી વિભાગની હાજરીમાં કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં એસઓજી શાખાને મોટી સફળતા મળી છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા મુરલીધર પ્રોટીન્સ નામના શેડમાં ખાદ્યતેલમાં ભેળસેળ કરી વિવિધ બ્રાન્ડના નામે તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ૨,૯૯૫ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ અભિયાન અંતર્ગત એસઓજી શાખાની ટીમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માનવસૂત્ર મારફતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે ભોજપરા ગામની સીમમાં આવેલા પ્લોટ નં. ૫૯/૭/૧માં આવેલા મુરલીધર પ્રોટીન્સના શેડમાં ખાદ્યતેલમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. બાતમીને ગંભીરતાથી લઈ એસઓજીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટના ફૂડ સેફ્ટી ઓફિસરને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન શેડમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સન ગોલ્ડ સનફ્લાવર તેલ, કિંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસિયા તેલ અને સોયાબીન તેલ મળી આવ્યા હતા. આ તમામ મળી કુલ ૨,૯૯૫ કિલોગ્રામ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા જરૂરી સેમ્પલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના જણાવ્યા મુજબ સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સૂરજમુખી તેલ, કપાસિયા તેલ તેમજ કોર્ન ઓઇલ તૈયાર કરી અલગ-અલગ નામે વેચાણ કરવામાં આવતું હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એટલે કે એક જ પ્રકારના સસ્તા તેલને અલગ પ્રક્રિયા અને ભેળસેળ દ્વારા મોંઘા ખાદ્યતેલ તરીકે બજારમાં ઉતારવાનો કારસો ચાલતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
જો આવા શંકાસ્પદ તેલનું બજારમાં વેચાણ થયું હોય તો ગ્રાહકો પાસેથી મોંઘા તેલના નામે નાણાં વસૂલવાની સાથે તેમના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા થવાની શક્યતા રહે છે. આથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા જથ્થાના નમૂનાઓની તપાસ બાદ સમગ્ર મામલામાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસે આ મામલે ગોંડલ તાલુકાના મોટા દળવા ગામે નવા બસ સ્ટેશન પાછળ રહેતા ૨૬ વર્ષીય જયદેવભાઈ પ્રભાતભાઈ ડાંગર (આહીર) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે વ્યવસાયે વેપાર કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ભોજપરા સહિત ગોંડલ પંથકમાં ખાદ્યતેલના ગેરકાયદેસર મિશ્રણ અને શંકાસ્પદ રીતે તૈયાર થતા તેલના વેપાર સામે ચકચાર મચી છે. હવે જપ્ત કરાયેલા તેલના સેમ્પલના પરીક્ષણમાં તેની વાસ્તવિક ગુણવત્તા, તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી અને તે માનવ આરોગ્ય માટે કેટલું જોખમી છે તે અંગેની હકીકત સામે આવશે.
આ કામગીરી એસઓજી શાખાના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા તથા એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પો.હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, પો.કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડીયા અને પો.કોન્સ્ટેબલ નવદીપભાઈ બાબરીયાની ટીમે હાથ ધરી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીએ એક તરફ ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો છે, તો બીજી તરફ બજારમાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં આ જથ્થો ક્યાંથી આવ્યો, કેટલા સમયથી ભેળસેળનું કામ ચાલતું હતું અને તૈયાર કરાયેલું તેલ ક્યાં-ક્યાં વેચાયું હતું તેની વિગતો બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.


