- મહિલાની છેડતી કરવાને લઈ સ્થાનિકોએ વેપારીને માર્યો હતો માર
- વેસુ પોલીસની કસ્ટડીમાં આરોપીનું નિપજયું હતુ મોત
- મૃતકને કપાળ અને બંને હાથમાં ચકામાનાં નિશાન મળ્યાં હતા
સુરતના વેસુ પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો. જેમાં વેસુ વિસ્તારના વેસ્ટ ફિલ્ડ સેન્ટર ખાતે યુવક દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આરોપ લગાવી ટોળાએ યુવકને માર માર્યો હતો. જો કે, આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની અટક કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જ્યાં પૂછપરછ કરે તે પહેલા જ યુવકને છાતીમા દુ:ખાવા સાથે ગભરાણ થતાં પોલીસ સ્ટેશનના બાંકડા પર જ ઢળી પળ્યો હતો. જેને લઇને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે બનાવ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પીએમ રિપોર્ટમાં કારણ સામે આવ્યું કે યુવકની બોથડ પદાર્થ મારતા મોત થયું હોવાનુ સામે આવ્યું છે.
ઝડપાયા 9 આરોપીઓ
પોલીસે માર માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વેસુ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અંદાજે 3 કલાક સુધી પોસ્ટર્મોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંન્ને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ પદાર્થનો ઉપયોગ થયું હોવાનું સામે આવ્યું છે.પોલીસે સીસીટીવીના આધારે તાપાસ હાથધરી હતી જેમાં નવ યુવકોની ઓળખ કરી ધરપકડ કરી છે.
યુવતી સામે ચેનચાળાનો હતો આક્ષેપ
પોલીસ કસ્ટડીમાં મોતને ભેટનાર યુવક સામે પોલીસને માહિતી આપવામાં આવી હતી કે, વેસ્ટ ફિલ્ડ શોપિંગ મોલની બહાર 40 વર્ષીય સાગર સુશીલ નેવટિયા દ્વારા સતત યુવતીની છેડતી કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, પરંતુ ખૂબ જ અશ્લીલ પ્રકારના ચેનચાળા પણ કરીને યુવતીને પરેશાન કરી રહ્યો હતો. યુવતીએ આસપાસના લોકોને એકત્રિત કરીને યુવકના ખરાબ વર્તન અંગે જાણ કરતા ટોળું એકત્રિત થયું હતું. ટોળા પૈકી કેટલાક લોકોએ યુવકને માર માર્યો હતો. એકત્રિત થયેલા લોકો પૈકી એક યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને જાણ પણ કરી હતી.


