- કોર્ટે અગાઉ નોટિસ પાઠવી હતી કે કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ?
- પતંજલિએ ઉત્પાદનો વિશે ખોટા દાવા અને ભ્રામક પ્રચાર નહીં કરવાનું સોગંદનામું કર્યું હતું
- આધુનિક દવાઓને બદનામ કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ મુકાયો
સુપ્રીમ કોર્ટે આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવને સુનાવણીની આગામી તારીખે હાજર રહેવા કહ્યું છે. બીમારીઓના ઇલાજ અંગે ભ્રામક જાહેરાતો બાબતે સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો પરંતુ તેમણે કોર્ટને કશો જવાબ નહોતો આપ્યો. સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની એ અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં રામદેવ પર રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓને બદનામ કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ મુકાયો છે. ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કોર્ટ દ્વારા પહેલાં અપાયેલી નોટિસોનો જવાબ દાખલ નહીં કરવા બદલ કંપની અને બાલકૃષ્ણની આકરી ટીકા કરી કારણદર્શક નોટિસ પણ મોકલી હતી કે તેમની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ કરવામાં ન આવે.
આની પહેલાં સુપ્રીમ કોર્ટે યોગગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદને તેનાં ઉત્પાદનો વિશે ન્યાયાલયમાં અપાયેલાં અગાઉનાં આશ્વાસનોનું ઉલ્લંઘન અને દવાઓની અસર સાથે સંકળાયેલા ખોટા દાવાના કેસમાં આકરી ફટકાર લગાવી હતી.
આઇએમએનો આરોપ શો છે?
આઇએમએએ આરોપ કર્યો છે કે પતંજલિએ કોવિડ-19 વેક્સિનેશન સામે એક બદનામ કરનારું કેમ્પેન ચલાવ્યું હતું. આ અંગે અદાલતે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ તરફથી ખોટી અને ભ્રામક જાહેરખબરો કરતી બંધ થવી જોઈએ. અદાલતે ખાસ પ્રકારની બીમારીઓમાં સાજા કરવાના ખોટા દાવા કરનારા દરેક ઉત્પાદન માટે એક કરોડ રૂપિયા સુધીના દંડની સંભાવના વ્યક્ત કરી હતી.


