- શહેરી વિસ્તારમાં મોબાઈલ ટાવર અને ક્રોક્રિંટના જંગલો વચ્ચે લુપ્ત થતા ઘર આંગણના વિહંગને બચાવવા જરૂરી
- સમગ્ર જગતમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે
- સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળા નં. 16ના આચાર્ય છેલ્લા 16 વર્ષથી લુપ્ત થતી
સમગ્ર જગતમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે. લોકોના ઘરમાં કે આંગણમાં સવારના સમયે ચીં.. ચીં..નો કલરવ કરતી ચકલીઓ આજે લુપ્ત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળા નં. 16ના આચાર્ય છેલ્લા 16 વર્ષથી લુપ્ત થતી આ ચકલીને બચાવવાનું ભગીરથ કાર્ય કરે છે. દાતાઓના સહયોગથી માળા બનાવી શાળામાં તેમજ અન્ય સ્થળે ચકલીના માળાનું વિતરણ કરી તેઓ શાળાના બાળકોને પણ ચકલીનું મહત્વ સમજાવી રહ્યા છે.
ચકલી છે નાની અમથી, તો ય મઝાની,
ડાળ પર બેસી એ ઝુલતી મઝાની,
કોંક્રીટના આ શહેરમાં વસતી આ ચકલી,
કયાંય કયાંય જોવા મળતી એની વસતી…
ચકલીએ જંગલના પક્ષી કરતા શહેરી વિસ્તારનું પક્ષી વધુ માનવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ ચકલી લોકોના ઘરમાં માળો કરે છે અને સવારના સમયે તેઓને મોબાઈલમાં એલાર્મ મુકવાની જરૂર પડતી નથી. ચકલીના સુમધુર ચીં..ચીં..નો અવાજ તેઓને ઉંઘમાંથી જગાડે છે. પરંતુ શહેરોમાં કોંક્રીટના જંગલો વધતા અને મોબાઈલ ટાવરના રેડિયેશનને લીધે ચકલીઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. મહારાષ્ટ્રના નાસીકના મહોમ્મદ દિલાવર નામના વ્યક્તિએ વર્ષ 2008માં ચકલીઓને બચાવવા નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરી હતી. જે ચકલીઓની ઘટતી જતી વસતી અંગે ચિંતા કરી રહ્યા છે. ત્યારે વર્ષ 2010થી દુનિયાભરમાં તા. 20મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આજે આપણે વાત કરીશુ સુરેન્દ્રનગરની શાળાના એવા આચાર્ય કે જેઓ ચકલીને બચાવવા છેલ્લા 16 વર્ષથી મથામણ કરી રહ્યા છે. ચકલીઓની ઘટતી સંખ્યાથી ચિંતિત એવા મુકેશભાઈ બદ્રેશીયાએ શાળાના બાળકોને ચકલીનું મહત્વ સમજાવી તેમના વિશે જાગૃત કર્યા હતા. ત્યારબાદ તેઓ દાતાઓના સહયોગથી ચકલીના માળા બનાવી શાળામાં તથા અન્ય સ્થળે વિતરણ કરી લોકોને ચકલીનું મહત્વ સમજાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 16 હજારથી વધુ માળાનું વિતરણ કર્યુ છે.
માળા કેવા સ્થળે રાખવા તે પણ સમજાવે છે
મુકેશભાઈ બદ્રેશીયા માત્ર ચકલીના માળાનું વિતરણ કરીને સંતોષ માનતા નથી. પરંતુ લોકોને આ ચકલીના માળા ઘરમાં કેવી જગ્યાએ રાખવા તે સમજાવે છે. મુકેશભાઈના જણાવાયા મુજબ ચકલી ઘરમાં કાટખુણે આવેલી જગ્યાએ માળો પસંદ કરે છે. આ માળો લોકોએ ઝુલતો રાખવો જોઈએ નહીં. ચકલી વર્ષમાં બે વાર ઈંડા મુકે છે. માળાને કુદરતી સાનીધ્ય મળી રહે તેવુ આયોજન કરવુ જોઈએ. આ ઉપરાંત માળાની આજુબાજુ ચણ અને તરસ છીપાવવા માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
પૂત્રના લગ્નમાં 500થી વધુ મહેમાનોને ચકલીઘરનું વિતરણ કર્યું
ગત વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં મુકેશભાઈ બદ્રેશીયાના પુત્ર ઉર્વીશના લગ્ન હતા. ત્યારે લગ્ન પ્રસંગે યોજાયેલા રીસેપ્શનમાં આવેલ મહેમાનોને તેઓએ ચકલીનો માળો વિતરણ કર્યો હતો. અંદાજે 500થી વધુ મહેમાનોને ચકલીનો માળો આપી ઘર આંગણનું પક્ષી ચકલી બચાવવાનું અનોખુ ઉદાહરણ તેઓએ આપ્યુ હતુ.


