- ગાંભોઈ પોલીસે રૂ.1.10 લાખના વિવિધ શસ્ત્રો સાથે આઠને ઝડપી લીધા
- ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી
- ગાંભોઈ પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ શરૂ કર્યુ
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેડથી અરજણપુરા પાટીયા પાસેથી સોમવારે રાત્રે પોલીસે બાતમીને આધારે હથિયારો તથા વાહન સાથે નિકળેલી ગેંગને રંગેહાથ ઝડપી લીધી હતી. જોકે પોલીસે આઠ જણાને ઝડપી લીધા હતા જયારે અશખ્સ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે 9 વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટના ભંગ બદલ મંગળવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
આ અંગે પીએસઆઈ વી.આર.ચૌહાણ તથા સ્ટાફના જણાવાયા મુજબ, સોમવારે રાત્રે તેમણે એવી બાતમી મળી હતી કે, એક ખાનગી વાહનમાં કેટલાક શખ્સો લૂંટના ઈરાદે બંદુક, ધારીયું, ફળસી તથા તીરકામઠા લઈને લૂંટ કરવાના ઈરાદે ખેડ થઈને અરજણપુરા પાટીયા પાસેથી નિકળનાર છે જે આધારે ગાંભોઈ પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ. દરમિયાન અહીંથી પસાર થઈ રહેલ જીપ નં.જીજે.4ડી.6146ને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી લૂંટ કરવા માટે વપરાતા કેટલાક ઘાતક હથિયારો મળી આવ્યા હતા.
જોકે પોલીસને જોઈને જીપમાં ડ્રાઈવીંગ કરતા રાજુભાઈ સવજીભાઈ ખરાડી (રહે.ખારીબેડી, તા.વિજયનગર) અંધારાનો લાભ લઈને ખેતરોમાં થઈ ભાગી ગયો હતો. તેમ છતાં પોલીસે આખી જીપને કોર્ડન કરી લઈને અંદાજે રૂ.2.10 લાખની કિંમતનો જીપ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધા બાદ 9 જણા વિરૂધ્ધ મંગળવારે આર્મ્સ એકટના ભંગ બદલ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.


