ભોય સમાજ દ્વારા હોળી પર્વે અનોખા ભૈરવનાથ દાદાના દર્શનનું 200 વર્ષથી આયોજન થાય છે
ગૂજરાતભરમાં માત્ર એક જ સ્થળ એવું છે કે જ્યાં વિશાળ અને અનોખા ભૈરવનાથ દાદાના દર્શન સાથે હોળી પર્વ ઉજવાય છે. વેરાવળમાં ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ પ્રતિમા સહિત પ્રાચીન હોળીના દર્શન કરી પંથકવાસીઓ ધન્ય બન્યા હતા. અહીંયા માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ ભૈરવનાથ દાદા પાસે આસ્થાભેર સંતાનની મનોકામના કરે છે. તેમની માનતા એક વર્ષની અંદર પૂરી થાય છે અને અનેક દંપતી અને પરીવારો નવજાત શીશુઓને લઈને ભૈરવનાથ દાદાને પગે લગાડવા કતારબંધ લાઈનમાં ઉભેલા જોવા મળે છે.
આ અંગે ભોય સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજાએ જણાવ્યું હતું કે, વેરાવળની શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાળ ભૈરવદાદાની 30 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે. આ મૂર્તિ 1 મહિના જેટલા સમયમાં 100થી વધુ યુવાનો દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ ભૈરવનાથ દાદાના દર્શન કરવા માટે શહેરીજનો ઉપરાંત આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં મોડી સાંજથી મધરાત સુધી કતારબંધ લાઈનમાં ઉભા રહી ભૈરવનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. અહીં હોળી ધુળેટી બે દિવસ મીની મેળા જેવો માહોલ સતત જોવા મળે છે.


