- ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોનું નામ ચીની ભાષામાં આપવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી
- ચીન ભારતના અરુણાચલના સ્થળોના નામ બદલવાના પ્રયાસોને સખ્ત રીતે નકારીએ છીએઃ જયસ્વાલ
- નામ બદલવાથી વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન, અવિભાજ્ય ભાગ
ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોનું નામ ચીની ભાષામાં આપવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. આ મામલે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ચીન ભારતના અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના તેના મૂર્ખ પ્રયાસો ચાલુ રાખે છે. અમે આવા પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ.
અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ
તેમણે વધુમાં કહ્યું કે ચીન દ્વારા આ પ્રકારનું બનાવટી નામ જારી કરવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. આ પહેલા પણ ભારત અરુણાચલ પ્રદેશને લઈને અનેક વખત ચીનના દાવાને ફગાવી ચૂક્યું છે.
ચોથી યાદીમાં 30 ભૌગોલિક નામ સામેલ છે
તમને જણાવી દઈએ કે ચીનના સરકારી અખબાર મુજબ, હાલમાં જ નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશના વિસ્તારના ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી હતી જેને તે જંગનાન તરીકે ઓળખે છે. આ અંતર્ગત ચીને 30 નામોની યાદી બહાર પાડી હતી.
માર્ચમાં પણ ચીને અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો હતો
ચોથી યાદી જાહેર થતાની સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ નામો 1 મે, 2024થી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચીન અરુણાચલ પ્રદેશને ઝંગનાન તરીકે ઓળખે છે. માર્ચની શરૂઆતમાં ચીને આ વિસ્તાર પર પોતાનો દાવો દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ચીનનો આંતરિક ભાગ છે. એટલું જ નહીં, 11 માર્ચે સેલા ટનલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ કર્યો હતો. જોકે, ભારતે હંમેશા ચીનના દાવાને નકારી કાઢ્યા છે અને અરુણાચલ પ્રદેશને પોતાનો અભિન્ન અંગ ગણાવ્યો છે.
આ પહેલા યાદી ક્યારે બહાર પાડવામાં આવી હતી?
ચીનની સરકારે એપ્રિલ 2023માં ચાઈનીઝ અક્ષરો, તિબેટીયન અને પિનયિનનો ઉપયોગ કરીને આ પ્રદેશ માટે 11 નામોને અંતિમ રૂપ આપ્યું હતું, જે ત્રીજી યાદી હતી, ચીનના અખબારે અહેવાલ આપ્યો હતો. પ્રથમ યાદી 2017માં આવી હતી જ્યારે બીજી યાદી 2021માં બહાર પાડવામાં આવી હતી.


