- પંજાબ પ્રાંતમાં વહીવટી બેઠકોની અધ્યક્ષતા કરતાં નવાઝ પર ઉઠયા હતા સવાલ
- સંઘીય કે પ્રાંતીય સરકારમાં કોઈ બંધારણીય પદ નથી ધરાવતા નવાઝ શરીફ
- સરકારી બેઠકની સહ-અધ્યક્ષતા કરી નવાઝે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓની સમીક્ષા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તાજેતરમાં તેમની પુત્રી અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ સાથે બીજી વહીવટી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ માટે તેમની ખૂબ ટીકા થઈ રહી છે, કારણ કે તેઓ પ્રાંતીય સરકારમાં કોઈ બંધારણીય પદ ધરાવતા નથી.
મીડિયા દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના સુપ્રીમો શરીફે પંજાબ પ્રાંતમાં એક બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, પ્રાંતના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નવાઝ શરીફ પર વહીવટી બેઠકોની અધ્યક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ પ્રાંતીય અથવા સંઘીય સરકારમાં કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા નથી. તેઓ નેશનલ એસેમ્બલીના માત્ર એક સભ્ય છે.
સામાન્ય ચૂંટણીમાં PML-N પાર્ટીને પૂર્ણ બહુમતી ન મળતા શરીફે સરકારથી દૂર રહેવાની જાહેરાત કરી હતી. જોકે પાછળથી તેઓ પંજાબની પ્રાંતીય સરકારની વહીવટી બેઠકોની અધ્યક્ષતા અથવા સહ-અધ્યક્ષતા કરતા જોવા મળ્યા હતા.
આ પહેલા, માર્ચમાં નવાઝ શરીફે પ્રાંતીય સરકારની ત્રણ વહીવટી બેઠકોની અધ્યક્ષતા કરી હતી. શરીફે સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓને પ્રાંતમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે સૂચનાઓ આપી હતી. જેમાં અંડરગ્રાઉન્ડ ટ્રેન અને મેટ્રો બસ, ખેડૂતોની દુર્દશા, વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અને રમઝાન રાહત પેકેજનો સમાવેશ થાય છે.
8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શરીફ લાહોર બેઠક પરથી ચૂંટાયા હતા. જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ PML-N પર જનાદેશની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઈસ્લામાબાદ પહોંચતા પહેલા નવાઝ શરીફ 1980ના દાયકામાં બે વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત ત્રણ ટર્મ સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહ્યા. હવે તેમના ભાઈ શાહબાઝ શરીફ બીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા છે.


