- ઇસ્લામાબાદ હાઈકોર્ટના 6 જજોને મળ્યા હતા ધમકીભર્યા પત્રો
- પત્રોમાં માદક પદાર્થ પણ મોકલવામાં આવ્યું હોવાનો દાવો
- ફેડરલ સરકારે એક સભ્યના કમિશનને લઈને શું કહ્યું?
પાકિસ્તાનની ન્યાયતંત્ર આજકાલ ચર્ચાનો મુદ્દો બની રહી છે. દરમિયાન, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ (CJP) કાઝી ફૈઝ ઈસાએ બુધવારે કહ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર કોઈપણ પ્રકારનો હુમલો નિષ્ફળ કરી દેવામાં આવશે. તેમણે એ પણ સંકેત આપ્યો કે ન્યાયિક મામલામાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા કથિત હસ્તક્ષેપની પૂર્ણ અદાલત દ્વારા સુનાવણી કરવામાં આવશે.
ઇસ્લામાબાદ હાઈકોર્ટના 6 જજોને મળ્યા હતા ધમકીભર્યા પત્રો
વાસ્તવમાં, મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટના છ ન્યાયાધીશોએ દાવો કર્યો હતો કે તેમને ધમકીભર્યા પત્રો મળ્યા હતા અને આ પત્રોમાં માદક પદાર્થ પણ મોકલવામાં આવ્યું હતું. આ જજોએ CJPને પત્ર લખ્યો હતો. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ તસદ્દુક હુસૈન જિલાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા કથિત દખલગીરીની તપાસ માટે રચવામાં આવેલા એક સભ્યના તપાસ પંચની અધ્યક્ષતામાંથી પીછે હઠ કરી દીધી હતી.
ફેડરલ સરકારે એક સભ્યના કમિશનને લઈને શું કહ્યું?
સુનાવણી દરમિયાન એટર્ની જનરલ મન્સૂર અવાને કહ્યું કે, સરકારે આ મામલાની સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તપાસ કરવા માટે એક કમિશનની રચના કરી છે. પરંતુ સોશિયલ મીડિયા અને વકીલોએ આ કમિશનની ટીકા કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે કોર્ટ આ કેસની સુનાવણી કરે. CJP ઈસાએ કહ્યું કે તેઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે ન્યાયાધીશોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ જોખમમાં નથી.
આ પ્રકારનું દબાણ સહન નહીં કરવામાં આવે: CJP
CJPએ કહ્યું, જો ન્યાયતંત્રની સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો ન્યાયતંત્રની રક્ષા માટે હું સૌથી આગળ હોઈશ અને ચોક્કસપણે મારા સાથી ન્યાયાધીશો આમાં મારી સાથે ઊભા રહેશે અને અમે ક્યારેય હસ્તક્ષેપ સહન નહિ કરીએ. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈની પાસે આવું કરવાનો કોઈ એજન્ડા હોય તો તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અથવા ચીફ જસ્ટિસ બની શકે છે અને તેમની ઈચ્છાને અમલમાં મૂકી શકે છે. અમે આવા દબાણને સહન નહીં કરીએ. સુનાવણી 29 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, “સંભવ છે કે અમે આગામી સુનાવણીમાં સંપૂર્ણ અદાલતની રચના કરી શકીએ. અમે દરરોજ કેસની સુનાવણી કરીશું.”


