- UKમાં રાઇટ ગ્રૂપ ફાઇનાન્સિયલ કંપની રજિસ્ટર કરાવી માર્કેટિંગ કર્યું હતું
- સીઆઈડી ક્રાઇમ સાઇબર સેલે ગુનો નોંધ્યો હતો
- 2023માં ચાર આરોપી પકડાયા હતા
યુકેમાં રાઇટ ગ્રૂપ ફાઇનાન્સિયલ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવી સોશિયલ મીડિયામાં કંપની ફોરેક્સ ટ્રેડિંગ કરતી હોવાનું માર્કેટિંગ કરી રોકાણકારો સાથે 7 કરોડથી વધુની ઠગાઈ કરનારા ફરાર આરોપીને સીઆઇડી ક્રાઇમ સાઇબર સેલે સાત દિવસ અગાઉ ઝડપી લીધો છે. 2023માં સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા હતા. રોકાણકારોને ઊંચું વળતર આપવાની લાલચ આપી આરોપીઓએ શરૂઆતમાં રોકાણ સામે વળતર ચૂકવી લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રોકાણકારો પાસે 7 .44 કરોડથી વધુનુ રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી આચર્યાની વિગતો ખૂલી હતી.
સીઆઇડી ક્રાઇમ સાઇબર સેલે ગત તા.28મી માર્ચના રોજ ફરાર આરોપી વિજયસિંહ ફતેસિંહ ગોહિલને ઝડપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. કંપનીની છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય રોકાણકારો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકો પાસેથી ઓનલાઇન નાણાં જમા કરાવ્યાં હતાં. આ રીતે કુલ રૂપિયા 7 .44 કરોડની રકમ કંપનીના એકાઉન્ટમાં જમા થયાની વિગતો મળી હતી. આરોપીઓએ ઇૈખ્તરંહ્લઠ એપમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ કહી ફરિયાદીનું આઈડી, પાસવર્ડ સાથેનું એકાઉન્ટ બનાવડાવ્યું હતું. ફરિયાદી પાસે આરોપીઓએ રોકડા, ગૂગલ પે અને ચેકથી રૂ.32 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ રીતે અન્ય 36 રોકાણકારોએ પણ નાણાં રોક્યા હોવાથી કંપનીના ખાતામાં કુલ 7 ,44,10,000નું રોકાણ થયું હતું. આ રીતે રોકાણ કરાવ્યા બાદ કંપનીએ શરૂઆતમાં સમયસર વળતર ચૂકવી લોકોનો વિશ્વાત જીત્યો હતો. તે પછી મૂડી અને વળતર ન ચૂકવી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સીઆઇડી ક્રાઇમ સાઇબર સેલમાં રોકાણકારોએ ફરિયાદ કરતા પોલીસે પંકજ મનસુખભાઈ વઘાસિયા, શક્તિસિંહ દિગ્વિજયસિંહ વાઘેલા, અક્ષરાજસિંહ મહાવીરસિંહ વાઘેલા, ગૌરવ જયસુખભાઈ સોજિત્રાની ધરપકડ કરી હતી. આ ગુનામાં ફરાર વધુ એક આરોપી વિજયસિંહને પોલીસે સાત દિવસ અગાઉ ઝડપીને રિમાન્ડ મેળવ્યા હતા.


