- ગેરકાયદે ઘૂસેલા લોકો અમેરિકામાં લૂંટ, બળાત્કાર અને નરસંહાર કરતા હોવાનો આરોપ : સભામાં શરણાર્થીઓને જાનવર કહ્યા
- ટ્રમ્પ મિશિગનમાં એક રેલીને સંબોધન કરતાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર બોલી રહ્યા હતાં
- અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દેશમાં ખૂનામરકી કરવાની મંજૂરી આપી રહ્યા છે
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ જો બાઇડેન પર સરહદે ખૂનામરકી કરવાની મંજૂરી આપી હોવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પ મિશિગનમાં એક રેલીને સંબોધન કરતાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર બોલી રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે બાઇડેન અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દેશમાં ખૂનામરકી કરવાની મંજૂરી આપી રહ્યા છે. આ સરહદ પરથી આવતાં ગેરકાયદે ઘૂસેલા લોકો અમેરિકામાં લૂંટ, બળાત્કાર અને નરસંહાર કરે છે. જેનાથી આપણો દેશ ખતમ થઈ રહ્યો છે. આ અગાઉ ટ્રમ્પે ઓહાયો રાજ્યમાં એક ચૂંટણી સભામાં શરણાર્થીઓને જાનવર કહ્યા હતાં. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પરથી અન્ય દેશોના ક્રિમિનલ્સ અમેરિકામાં ઘૂસી રહ્યા છે. આ લોકો જ અમેરિકામાં પણ ચોરી અને હત્યા જેવા ગુના કરે છે. બાઇડેન તેની મંજૂરી આપી રહ્યા છે. નોંધનીય છે કે ટ્રમ્પ આ બોર્ડર બંધ કરવા માંગે છે. તેમનો આરોપ છે કે બાઇડેન આ ક્રિમિનલ્સને રોકવાનો કોઈ ઉપાય કરતાં નથી. વાસ્તવમાં 2024માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી છે તથા રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ટ્રમ્પ એક દિવસ માટે સરમુખત્યાર બનવા માંગે છે
થોડા દિવસ અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાશે તો તેઓ એક દિવસ માટે અમેરિકાના સરમુખત્યાર બનશે કે જેથી તેઓ મેક્સિકોની બોર્ડરને બંધ કરી શકે. ટ્રમ્પ અનેકવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા લોકો માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. ન્યૂ હેમ્પશાયરમાં એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરી દેવાની વાત કરી હતી.


