સ્વયંભૂ રામનાથ મહાદેવની શનિવારે ધ્વજા યાત્રા
ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : ભાવિકોમાં ઉત્સાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે સમગ્ર રાજકોટ જાણે શિવમય બની ગયું છે. શહેરના શિવાલયોમાં ભક્તિભાવ અને આસ્થાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણના પવિત્ર દિવસોમાં શિવભક્તિનો આ દિવ્ય માહોલ વધુ ગાઢ બન્યો છે ત્યારે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આજી નદીના પવિત્ર પટમાં આશરે સાડા ચારસો વર્ષથી બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 22 ઓગસ્ટ, 2026, શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે કોઠારિયા નાકા ખાતે આવેલી કિશોરસિંહજી સ્કૂલ ખાતેથી ભવ્ય ધ્વજા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રાની વિશેષતા એ રહેશે કે દલિત સમાજ તથા વાલ્મીકી સમાજની બહેનો દ્વારા શ્રી રામનાથ મહાદેવની પવિત્ર ધ્વજા શિરે ધારણ કરીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સામાજિક સમરસતાના આ ભાવને સાકાર કરતી આ પહેલ સમગ્ર સમાજ માટે એક સશક્ત અને પ્રેરણાદાયી સંદેશ બની રહેશે.
યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત વિવિધ સમાજો, સંસ્થાઓ અને પરિવારો દ્વારા પણ રામનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે નેપાળી સમાજ, શ્રીપાર્ક સોસાયટી-મોરબી રોડ, થેલેસેમિયા સોસાયટી, મહાદેવ ગ્રુપ-દૂધસાગર રોડ, કોબિયા પરિવાર, બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ, ખાંટ સમાજ, મામાસાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, બાલાજી મિત્ર મંડળ, દલિત સમાજ, બાલકૃષ્ણ ગ્રુપ સહિત વિવિધ સમાજો, સંસ્થાઓ અને પરિવારો દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ તથા સમાજોના આગેવાનો અને કાર્યકરો પણ આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી રામનાથ મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અર્પણ કરશે.
યાત્રાનું વિશેષ આકર્ષણ ભરવાડ સમાજના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવનાર પરંપરાગત લાઠીદાવ રહેશે. શૌર્ય, સાહસ અને લોકપરંપરાની જીવંત ઝાંખી કરાવતો લાઠીદાવ યાત્રાના માહોલમાં વિશેષ આકર્ષણ ઉમેરશે. કિશોરસિંહજી સ્કૂલથી પ્રસ્થાન કરનારી આ ધ્વજા યાત્રા ગરુડ ગરબી ચોક, રામનાથપરા મેઈન રોડ થઈને શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે.


