- ઘટનાનો વીડિયો વાઇરલ, પેસેન્જરોમાં ભય
- રિક્ષાચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી જતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી
- રિક્ષાચાલકો રાત્રિના સમયે નશામાં પેસેન્જરોને હેરાન-પરેશાન કરતાં હોવાની પણ ફરિયાદો ઉઠી
અમદાવાદ એરપોર્ટ પર ફરી રિક્ષાચાલકો અને સિક્યોરીટી વચ્ચે છુટ્ટાહાથની મારામારીના વિડીયો વાયરલ થયા છે. રિક્ષાચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી જતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર બનતા મારામારી શરૂ થઇ હતી. જેને પગલે પેસેન્જરોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે એરપોર્ટ દ્વારા પોલીસને અરજી કરીને કાયદેસર કાર્યવાહીની માગ કરાઇ છે. રિક્ષાચાલકો રાત્રિના સમયે નશામાં પેસેન્જરોને હેરાન-પરેશાન કરતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
થોડા સમય પહેલાં પણ રિક્ષાચાલકો અને સિક્યોરિટી સાથે માથાકુટ થયાના વિડિયો વાયરલ થયા હતા. જેમાં પોલીસ કર્મીને પણ ઘેરીને ધક્કામુક્કી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર પણ એસટી અને રેલવે સ્ટેશન જેવી પરિસ્થિતિ સર્જાતા પેસેન્જરો પણ ચોંકી ઉઠયા હતા. એરપોર્ટ પર જ મારામારી સર્જાતા હાજર પેસેન્જરોમાં ભય ફેલાયો હતો. એરપોર્ટ પર રાતના સમયે કેટલાક રિક્ષાચાલકો નશામાં ધૂત થઇને રાતના સમયે પેસેન્જરોને રિક્ષામાં બેસાડવામાં ટાઉટિંગ કરતાં હોય છે. ગત રાતે સિક્યોરિટી ગાર્ડે રિક્ષાચાલકોને ટાઉટિંગ કરતાં અટકાવ્યા હતા. આ સમય દરમિયાન રિક્ષાચાલકો એરાઇવલ સુધી પહોંચી જઇને સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી કરી હતી. કેટલાક રિક્ષાચાલકો અપશબ્દો બોલવાનું શરૂ કરતાં પેસેન્જરો પણ ચોંકી ઉઠયા હતા અને મારામારી થતાં પેસેન્જરો ભયમાં મુકાયા હતા.


