એઇમ્સ, કોર્ટ, સ્ટેડિયમ બાદ હવે સેન્ટ્રલ જેલ પર જામનગર રોડ પર ખસેડાશે : 59 એકરમાં નવી જેલ બનશે
સ્ટેડિયમ, એઇમ્સ, નવી કોર્ટનું નિર્માણ થયા બાદ હવે સેન્ટ્રલ જેલ પણ હવે જામનગર રોડ પર સ્થળાંતર થનાર છે. હાલની જેલ કરતાં કેદીઓની સંખ્યામાં ઘણો વધારો થવાથી નવી જેલનું નિર્માણ જામનગર રોડ પર થઈ રહ્યું છે. જ્યાં 59 એકરમાં વધુ વિશાળ જેલ તૈયાર થશે.
સેન્ટ્રલ જેલમાં 1230 કેદીઓ રાખવાની ક્ષમતા છે. જેમાં 2260 કેદીઓ રાખવામાં આવ્યા છે. મહિના પહેલા નવી જેલ બનાવવા સરકારમાં દરખાસ્ત થઈ છે અને જેલ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ માટે જામનગર રોડ પર ન્યારા પાસે ૫૯ એકર જમીન મળવાની શક્યતા છે પરંતુ, હાલ ચૂંટણી આચારસંહિતા અમલી હોય બે માસ બાદ આ પ્રક્રિયા થશે.
જામનગર રોડ ઉપર હાલ એઈમ્સ તેમજ અદ્યતન કોર્ટ બિલ્ડીંગ કાર્યરત થયા છે અને જેલ સામાન્ય રીતે સરકારી હોસ્પિટલ અને કોર્ટ બિલ્ડીંગ નજીક રખાતી હોય છે આ ઉપરાંત સરકારની વિશાળ જમીન ન્યારા પાસે જ ઉપલબ્ધ થાય તેમ છે. જેલ સત્તાવાળાઓએ કલેક્ટર મારફત ૭૨ એકર જમીનની માંગણી કરી હતી પરંતુ, ત્યાં આશરે ૫૯ એકર જમીન મળે તેમ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જેલની સ્થાપન ૧૮૯૪-૧૮૯૫ના વર્ષમાં થઈ છે. આમ, સવા સદી બાદ જેલનું સ્થળાંતર ભવિષ્યમાં થશે. આ પહેલા ૭૫ વર્ષથી કાર્યરત કોર્ટ બિલ્ડીંગનું સ્થળાંતર કરાયું હતું.


