- રાજકોટના રતનપર ખાતે 14ના મહાસંમેલન માટે તૈયારી
- વિવિધ રજવાડાઓને નિમંત્રણ મોકલાયા
- રાજયના તમામ જિલ્લામાં બેઠકો પણ કરી લેવામાં આવી છે
રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી સાથે ચાલી રહેલી ક્ષત્રિય સમાજની લડતમાં તા.14ના બપોરે 4 વાગે રાજકોટમાં રતનપર ખાતે મહા સંમેલન મળી રહયું છે જેમાં રાજવીઓને નિમંત્રણ પાઠવાયા છે અને સ્ટેજ ઉપર સ્થાન અપાશે જયારે રાજકીય નેતાઓને સ્ટેજ નહિ આપવામાં આવે તેમજ ભાષણબાજી પણ કરવામાં નહિ આવે. રૂપાલા સામે લડત ચલાવી રહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા મહાસંમેલનની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની તૈયારીમાં વિવિધ રજવાડાઓને નિમંત્રણ મોકલાયા છે. રાજયના તમામ જિલ્લામાં બેઠકો પણ કરી લેવામાં આવી છે. દરમિયાન સૂત્રોએ કહયું હતું કે, રાજવી પરિવારોને નિમંત્રણ મોકલાયા છે પણ કોઈ રાજકીય આગેવાનને નિમંત્રણ નથી અપાયા અને સ્ટેજ ઉપર પણ નહિ બેસાડવામાં આવે. અમારૂ આંદોલન સામાજિક સ્તરેથી ચાલી રહયું છે કોઈ રાજકીય રીતે નથી ચાલતું તેના સંદેશા સાથે અમે આગળ ધપી રહ્યા છીએ. કરણીસેનાના ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, અમારી સેના દ્વારા દરેક સ્થળે સંદેશા મોકલાયા છે અમારી લડત ક્ષત્રિય સમાજના સ્વમાન માટે છે અને તેમાં બાંધછોડ નહિ થાય.
હજૂ સંમેલનની મંજૂરી માંગવામાં આવી નથીઃ પોલીસ
રાજકોટના રતનપર ખાતે મળી રહેલા મહાસંમેલનની મંજૂરી હજૂ સુધી માંગવામાં આવી નહિ હોવાનું પોલીસ સૂત્રોએ કહયું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મંજૂરી માટે તૈયારીઓ કરવામા આવી છે પણ હજુ સુધી કોઈ અરજી પોલીસ સુધી પહોંચી નથી.
રાજુલામાં કાલે કાઠી ક્ષત્રિય સમાજની રેલી
રાજુલા : રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રોટી બેટીના વ્યવહાર બાબતે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યું છે ત્યારે રાજુલા શહેર તેમજ જાફ્રાબાદ અને આજુબાજુના કાઠી ક્ષત્રિય સમાજના લોકો આવતીકાલે શુક્રવારે પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપશે


