- શખ્સે પૂર્વ પત્ની પર લગાવ્યા હતા વ્યભિચારના ખોટા આરોપો
- શખ્સ ફેડરલ શરિયત કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યો
- કાજફ ઓફેન્સીસ (એન્ફોર્સમેન્ટ ઓફ લિમિટેશન) ઓર્ડિનન્સ 1979ની કલમ હેઠળ દોષિત
પાકિસ્તાનની એક કોર્ટે એક શખ્સને અજીબોગરીબ છતાં દુર્લભ સજા સંભળાવી છે. કોર્ટે એક પુરુષને તેની પૂર્વ પત્ની પર વ્યભિચારનો આરોપ લગાવવા અને તેના બાળકોને સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ 80 કોરડા મારવાની સજા ફટકારી છે. સામાન્ય રીતે હવે દેશમાં આ પ્રકારની સજા આપવામાં આવતી નથી.
મીડિયા અહેવાલ મુજબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ માલીર શહનાઝ બોહ્યોએ આરોપી ફરીદ કાદિરને ઓછામાં ઓછા 80 કોરડા મારવાની સજા સંભળાવી હતી. કોર્ટે કાદિરને કાજફ ઓફેન્સીસ (એન્ફોર્સમેન્ટ ઓફ લિમિટેશન) ઓર્ડિનન્સ 1979ની કલમ 7(1) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કઝાફ એટલે નિર્દોષ વ્યક્તિ પર આરોપ લગાવવો. આ વટહુકમની કલમમાં કહેવામાં આવ્યું છે કે કઝાફ માટે જે કોઈ જવાબદાર હશે તેને 80 કોરડા મારવાની સજા કરવામાં આવશે.
કોર્ટે શું કહ્યું પોતાના આદેશમાં
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે આરોપી જુઠ્ઠો છે અને તેણે ફરિયાદી પર તેની પુત્રીના અનૈતિક સંબંધનો ખોટો આરોપ લગાવ્યો હતો. આમ તેને કઝફ ઓર્ડિનન્સ 1979ની કલમ 7(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે અને તેને 80 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફેડરલ શરિયત કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા પછી તેની જુબાની કોઈપણ કોર્ટમાં માન્ય રહેશે નહીં.
આરોપીને કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. એટલે તે જામીન પર રહેશે. જો કે તે કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવે અને સજાની પુષ્ટિ થાય ત્યારબાદ કોરડા મારવાની સજા માટે આ અદાલત દ્વારા નિર્ધારિત સમયે અને સ્થળ પર હાજર થવા સંમત થાય અને એક લાખ રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવે.


