- આરોપી સ્તન તપાસ અને પુરુષોના અંડકોષ જેવી બિનજરૂરી તપાસ કરતો હતો
- આરોપી તબીબની નોકરીમાંથી હકાલપટ્ટી. તબીબ અને બે હોસ્પિટલ સામે કેસ
- ટોડ વર્ષ 2010થી દર્દીઓની શારીરિક છેડતી કરતા રહ્યા હતા
અમેરિકામાં એક તબીબ સામે દર્દીઓને શારીરિક અડપલાં કરતા હોવાના ગંભીર આક્ષેપ થતાં નોકરીમાંથી તે તબીબની હકાલપટ્ટી થઈ છે. 200થી વધુ મહિલા અને સંખ્યાબંધ પુરુષોએ તબીબ શારીરિક તપાસને નામે અડપલાં કરતા હોવાના આક્ષેપ સાથે કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે તબીબ ડેરિક ટોડ દર્દીઓની શારીરિક તપાસને નામે એવી તપાસો કરતા હતા કે જેની જરૂર જ નહોતી. શારીરિક તપાસને નામે તબીબ દર્દીઓ સાથે શારીરિક અડપલાં કરતા હતા.
ડૉક્ટર ડેરિક બોસ્ટન બ્રિધમ એન્ડ વૂમન હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમના પર દર્દીઓને શારીરિક અડપલાં કરતા હોવાના આક્ષેપ થતાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં તબીબની નોકરીમાંથી હકાલપટ્ટી થઈ હતી. આરોપ છે કે તબીબ દર્દીઓની પેલ્વિક ફ્લોર થેરપી, સ્તન તપાસ અને પુરુષોના અંડકોષની બિનજરૂરી તપાસ કરતા હતા. ટોડ વર્ષ 2010થી દર્દીઓની શારીરિક છેડતી કરતા રહ્યા હતા. મેસાચ્યૂએટ્સની સફલોક સુપિરિયર કોર્ટમાં તબીબ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બ્રિધમ એન્ડ વુમન હોસ્પિટલ અને એક અન્ય હોસ્પિટલ ચાર્લ્સ રિવર મેડિકલ એસોસિયેશનને પણ આરોપી બનાવાવમાં આવ્યા છે.
તપાસમાં સહયોગ આપીશું : હોસ્પિટલ
તબીબ સામે વર્ષ 2023માં આરોપ થવા લાગ્યા હતા. એક મહિલા દર્દીએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. કેસના મુદ્દે હોબાળો થતાં હોસ્પિટલે તબીબને રજા પર ઉતારી દીધા હતા. પછી તો એવી નોબત આવીને તબીબની નોકરીમાંથી જ હકાલપટ્ટી કરવામાં આવી. હોસ્પિટલે આ કેસમાં નિવેદન જારી કરીને કહ્યું છે કે તબીબ પર થયેલા આક્ષેપોથી તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. તબીબ સામે ચાલી રહેલી તપાસમાં સહયોગ કરવા હોસ્પિટલે ખાતરી આપી છે. જે પીડિત મહિલા દર્દીઓએ શારીરિક અડપલાંની ફરિયાદ કરી છે તેમાં કિશોરીઓથી માંડીને વૃદ્ધ મહિલાઓનો સમાવેશ થાય છે.


