- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત વધી રહ્યો છે તણાવ
- ઈરાન દ્વારા કબજે કરાયું કથિત ઇઝરાયલનું જહાજ
- કબજે કરાયેલ જહાજ MSC Aries પર 17 ભારતીય નાગરિકો
Iran Israel Conflicts: મિડલ ઇસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારત પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. આ દરમિયાન ઈરાન દ્વારા કથિત ઈઝરાયેલનું એક જહાજ કબજે કરવામાં આવ્યું છે જેને લઈને ભારત માટે મુશ્કેલી ઉભી થઈ છે. આ જહાજમાં સવાર 25 સભ્યોમાંથી 17 સભ્યો ભારતીય નાગરિક છે. ભારત આ મામલે ઈરાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. નવી દિલ્હીએ ભારતીય નાગરિકોને મુક્ત કરવા માટે તેના રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાન પર સંપૂર્ણ દબાણ કર્યું છે.
અહેવાલો અનુસાર, સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ઓમાનની ખાડીમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા કબજે કરવામાં આવેલા જહાજમાં 17 ભારતીયો સવાર છે. સુરક્ષા, સલામતી તેમજ તેના નાગરિકોની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત પહેલેથી જ ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે. એક સૂત્રનું કહેવું છે કે, “અમારી માહિતી છે કે એક કાર્ગો જહાજ ‘MSC Aries’ પર ઈરાન દ્વારા નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.”
સૂત્રનું વધુમાં કહેવું છે કે ભારતીય નાગરિકોની સલામતી માટે તેહરાન અને દિલ્હી બંને વકચહે રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાની અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે ગઇકાલે આપી હતી ટ્રાવેલ એડવાઈઝરી
દરમિયાન ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શુક્રવારે 12 એપ્રિલના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલ દેશોની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી હતી.
એડવાઈઝરીમાં મંત્રાલયે તે તમામ ભારતીયોને પણ વિનંતી કરી છે જેઓ હાલમાં ઈરાન અને ઈઝરાયેલમાં રહી રહ્યા છે. આ દેશોમાં રહેતા તમામ નાગરિકોને તાત્કાલિક ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી અને પોતાને નોંધણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.


