- પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના સરબજીતની આરોપીએ હત્યા કરી હતી
- લાહોરમાં અજાણ્યા હુમલાખોરે આરોપીને યમસદન પહોંચાડ્યો
- પાકિસ્તાને સરબજીત પર જાસૂસીના આરોપમાં જેલવાસની સજા ફટકારી હતી
પાડોશી દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં ‘અજાણ્યા હુમલાખોરો’ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આમિર સરફરાઝ એ જ વ્યક્તિ છે જેણે ISIની સૂચના પર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરી હતી. અમીર સરફરાઝે પાકિસ્તાનની કોટ લખપત જેલમાં સરબજીતનું ગળું દબાવીને અને પૉલિથીન વડે માર મારીને હત્યા કરી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આદેશ પર અમીરે સરબજીતને ટોર્ચર કરીને મારી નાખ્યો હતો. પંજાબના સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો.
સરબજીત વર્ષ-1990માં ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો
તમને જણાવી દઈએ કે સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામમાં રહેતો ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતામાં પાકિસ્તાની સરહદે પહોંચી ગયો હતો. અહીં પાકિસ્તાની સેનાએ તેની ધરપકડ કરી હતી. સરબજીત સિંહને લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપ બાદ કેદ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ હુમલામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1991માં સરબજીત સિંહને બોમ્બ બ્લાસ્ટના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. સરબજીત સિંહ પર લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓએ હુમલો કર્યો હતો, જે બાદ પાકિસ્તાને તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.


