- હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા
- બંને શૂટરો બાઇક પર આવ્યા હતા
- રાજસ્થાન-હરિયાણાના શૂટર હોવાની શક્યતા
બોલિવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલના વહેલી સવારે ત્રણ રાઉન્ડ ગોળીબાર થયો હતો. જે પછી મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. આ દરમિયના બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. જ્યારે ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે.
આ પછી મુંબઈ પોલીસ તરફથ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરો સીસીટીવી ફૂટેજના આધારે મેળવવામાં આવી છે. આ તસવીરના આધારે બંને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
જેના સાથે જ પોલીસે બંનેને શોધવા માટે ટીમ કામે લગાડી છે. જ્યારે સેન્ટ્રલ એજન્સીઓને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા શૂટર્સ હરિયાણા અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગે શૂટરની વ્યવસ્થા કરી હોવાની શક્યતા રહેલી છે.
આ સાથે રોહિત ગોદારા સામે ઈન્ટરપોલની નોટિસ પણ જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સનસનાટીભર્યા ગોગામેડી હત્યા કેસમાં રોહિત ગોદારાનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસ બાદ હવે દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ છે. બંને હુમલાખોરોની તસવીરો તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલ કરવામાં આવી છે.


