- કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ
- ગાંધીધામ, અંજાર, ભુજમાં વરસાદ આવ્યો
- કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ આવ્યો છે. તેમાં ગાંધીધામ, અંજાર, ભુજમાં વરસાદ આવ્યો છે. તેમજ રાપરના ગાગોદરમાં કરા સાથે વરસાદ આવ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાપર તાલુકાના ગાગોદર તથા આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે કરા પડ્યા છે.
અંદાજે એક ઈંચ જેટલો વરસાદ થતા ખેતરોમા પાણી ભરાઈ ગયા
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના હાઈવે પટ્ટી પર આવેલા ગાગોદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખરા બપોરે અઢી વાગ્યે ભારે પવન તથા કરા સાથે તોફાની વરસાદ થતાં લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. બપોરે અઢીથી ત્રણ વાગ્યા સુધી ધબધબાટી બોલાવતા વરસાદ સાથે કરા પડ્યા હતા. તેમજ ભારે પવન ફૂંકાયો હતો. અંદાજે એક ઈંચ જેટલો વરસાદ થતા ખેતરોમા પાણી ભરાઈ ગયા હતા. ગરમીની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ આવ્યો છે.

ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થાય એવી ભીતિ છે
હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અનેક સ્થળો પર વરસાદી ઝાપટા પડ્યા છે. ગઇકાલે કાળાડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભરઉનાળે વરસ્યા હતા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વિવિધ વિસ્તારમાં પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. કેમકે, માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થાય એવી ભીતિ છે.


