બેડી-આજી ચોકડી, મોરબી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી : બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૨ સુધી રહી ટ્રાફિકની અંધાધૂંધી, અનેક મુસાફરોની ફ્લાઇટ ચુકાઇ ગઇ
રાજકોટ ખાતે યોજાયેલ ક્ષત્રિય મહાસંમેલનમાં રેકોર્ડબ્રેક જનમેદની ઉમટતા મોરબી રોડ અને રતનપર આસપાસ મોડી રાત્રિ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. મહાસભા સ્થળથી મોરબી તરફ અને રાજકોટ તરફ ૧૦ કી.મી. સુધી વાહનોના થપ્પા થઇ ગયા હતા. બેડી ચોકડી-ગ્રીનલેન્ડ ચોકડીએ કલાકો સુધી ચક્કાજામ રહ્યો હતો. બપોરે ૨ વાગ્યાથી લઇને રાત્રે ૧૨ વાગ્યા સુધી આ જ હાલત રહી હતી. હીરાસર એરપોર્ટ જવા માટે કાં તો બેડી ચોકડી થઇને કાં તો ગ્રીનલેન્ડ ચોકડી થઇને જ જવુ પડે. ટ્રાફિક જામના લીધે અમુક હવાઇ મુસાફરોની ફ્લાઇટ પર ચુકાઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
સભામાં કોઇ ભપકો કે પ્રચારાત્મક બોર્ડ દેખાયા ન હતા. છતાં રાજકોટમાં સંખ્યાની દ્રષ્ટિએ અભૂતપૂર્વ કહી શકાય તેવી ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. શહેરમાં પ્રથમવાર ક્ષત્રિયોનું એવું સંમેલન જે કોઇ જાતિ વિરૂધ્ધ નહી, કોઇ સમસ્યાઓ માટે નહીં કે કોઇ લાભ માટેની માંગણી માટે નહી પરંતુ એક માત્ર રૂપાલાએ બહેન-દિકરી વિશે અનુચિત ટીપ્પણી કરી તેના વિરૂધ્ધમાં તેમની ટિકિટ કાપવાની માંગ સાથે હતું. હજારો ક્ષત્રિય મહિલાઓ કેસરિયા સાડી પરિધાન કરીને આવ્યા હતાં. સભામાં હજારો લોકો બપોરના આવી ગયા હતા તો હજારો ક્ષત્રિયો તો સભા પૂરી થવા આવી ત્યારે પણ હજુ આવી રહ્યા નજરે પડતા હતા.


