- પોલીસ-આરોપીની મિલીભગતથી કોર્ટ કેસની કાર્યવાહીમાં વિલંબ થતો જાય છે
- એક નેતાના પિતા સામે કોર્ટ ટ્રાયલ પેન્ડિંગ છતાં પોલીસની હાજરીમાં જ પ્રચાર કરે છે
- આરોપીના વકીલોની દલીલોને આધારે કોર્ટ ન્યાયીક પ્રક્રીયા પેન્ડિંગ રાખવાનો હુકમ કરવા મજબૂર
પોલીસ અને આરોપીની મિલીભગતની નવી તરકીબને કારણે અનેક કોર્ટ કેસોની ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે. કોર્ટ ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેતાં આરોપીને કોર્ટમાં હાજર રાખવા સમન્સ અને વોરંટો કાઢવામાં આવે છે. જોકે, પોલીસ આરોપી મળતો ન હોવાનો રિપોર્ટ કરે છે. જેના પગલે અનેક કેસોમાં કોર્ટ દ્વારા ટ્રાયલ પેન્ડિંગ રહેતી હોવાનું અને વિલંબ થાય છે. આ જ રીતે નેતાના પિતા કાયદાકીય છટકબારીનો લાભ લઈને પોતાના સામેના અનેક કેસોમાં કોર્ટ ટ્રાયલ પેન્ડિંગ રખાવવામાં સફળ રહ્યા છે. કોર્ટનો ઓર્ડર છે કે, આરોપી મળી આવે ત્યારે ફરિયાદી ન્યાયીક કાર્યવાહી માટે પ્રક્રિયા કરી શકશે. જોકે પોલીસની નજર સામે નેતાના પિતા રેલીમાં હોય અને પ્રચાર કરે છતાં પણ તેની ધરપકડ કરવાની પોલીસના ધ્યાને આવતું નથી.
ભૂમાફિયા, ઠગો, ચેક રિર્ટનના આરોપીઓ કોર્ટ કેસોમાં વિલંબ થાય તે માટે જામીન મેળવ્યા પછી છૂટયા બાદ કોર્ટ ટ્રાયલ દરમિયાન હાજર રહેતા નથી. આરોપીને કોર્ટમાં હાજર રાખવા માટે કોર્ટ દ્વારા સમન્સો કાઢવા તેમજ બિનજામીનપાત્ર વોરંટો કાઢી પોલીસને આરોપીને હાજર રાખવા માટે આદેશ આપવામાં આવે છે. દરેક તારીખ દરમિયાન પોલીસ આરોપી મળતો ન હોવાથી સમન્સ કે વોરંટ બજ્યુ ન હોવાના રિપોર્ટ કરે છે. અનેક કેસોમાં આરોપી પોલીસ સાથે મિલીભગત કરીને પોતાનો બચાવ શોધી લેતા હોય છે. જેના આરોપીના વકીલોની દલીલોને આધારે કોર્ટ પણ ન્યાયીક પ્રક્રીયા પેન્ડિંગ રાખવાનો હુકમ કરવા મજબૂર બને છે. બીજી તરફ કોર્ટના આ પ્રકારના હુકમ સાથે આરોપી મળી આવે ત્યારે ફરિયાદી પક્ષને ન્યાયિક કાર્યવાહી માટે પ્રક્રિયા કરવાનો રસ્તો કોર્ટ દ્વારા ખુલ્લો રાખવામાં આવે છે. જોકે, પોલીસની નજર સામે આરોપીઓ ફરતા હોવા છતાં તેમની ધરપકડ કરવાની તસદી લેવામાં આવતી નથી. ફરિયાદી દ્વારા આરોપીને પકડવા માટે રજૂઆતો થયા બાદ પણ પોલીસ આરોપી મળતો ન હોવાના જવાબ આપે છે. આમ, પેન્ડિંગ રહેલી ન્યાયિક કાર્યવાહી (કોર્ટ ટ્રાયલ) શરૂ થવામાં સમય જતો રહે છે અને ફરિયાદીને વર્ષો સુધી ન્યાય મેળવવા માટે વલખાં મારવા પડે છે.
પોલીસની રહેમનજરનો લાભ હાલમાં નેતાના પિતા લઈ રહ્યા છે. તેઓ સામે ગંભીર પ્રકારના તેમજ પ્રોહિબિશનના અનેક ગુના દાખલ થયા છે. આવા જ એક ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થયેલા નેતા પિતા તેઓ સામેના એક કોર્ટ કેસમાં ટ્રાયલ દરમિયાન હાજર રહેતા ન હતા. કોર્ટએ આરોપીને હાજર રાખવા કાયદાકીય પ્રોસીજર કરી પોલીસને પકડવા સૂચના આપી હતી. જો કે, લોકલ પોલીસ તેમજ એજન્સીઓએ આરોપી મળતો ન હોવાનો રિપોર્ટ કોર્ટમાં કર્યો હતો. આખરે કોર્ટએ નેતાના પિતા સામેના કોર્ટ કેસની ટ્રાયલ પેન્ડિંગ રાખવાનો હુકમ કરી જણાવ્યું કે, આરોપી મળી આવે ત્યારે ફરિયાદ પક્ષ કોર્ટ ટ્રાયલ ચલાવવા માટે પ્રક્રિયા કરી શકે છે. પોલીસની નજર આરોપી ચૂંટણીની રેલીમાં જાય અને પ્રચાર પણ કરે છે.


