- RTE હેઠળ 2,35,387 ઓનલાઈન અરજી થઈ હતી
- પ્રથમ રાઉન્ડમાં 22 એપ્રિલ સુધીમાં બાળકોના પ્રવેશ કન્ફર્મ કરાવાનો રહેશે
- 47,393 અરજીઓ અરજદારો દ્વારા રદ્દ કરવામાં આવી હતી
આરટીઈ એક્ટ-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધો-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન થઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય અને 15,319 અરજીઓ અધૂરા દસ્તાવેજોના કારણોસર અમાન્ય કરાઈ હતી. 47,393 અરજીઓ અરજદારો દ્વારા રદ્દ કરવામાં આવી હતી.
રાજયની કુલ 9,828 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 45,170 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિ.મીની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 5,191 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીના અભાવે ખાલી રહી છે.
પ્રથમ રાઉન્ડની પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરાઈ છે. એડમિટ કાર્ડમાં દર્શાવેલ અસલ દસ્તાવેજો રજૂ કરી તા.22/04 સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયું છે. જેઓને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી કરવામાં આવી છે, જો તેઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવશે નહિ તો તેઓને ફાળવેલ પ્રવેશ રદ ગણાશે, અને પછીના રાઉન્ડમાં તેઓ પ્રવેશ મેળવવા હકદાર બનશે નહીં.


