- વર્ષ 2024 માટે ટાઈમ મેગેઝીનનું સૌથી પ્રભાવશાળી 100 લોકોનું લિસ્ટ જાહેર
- ટાઈમ મેગેઝીનના લિસ્ટમાં ભારતીય મૂળના અનેક લોકોના નામ સામેલ
- આ કારણે સાક્ષી મલિકને મળ્યું સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન
100 most Influential people: ટાઈમ મેગેઝીને વર્ષ 2024ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બે ભારતીયોના નામ પણ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્થાન મળ્યું છે.
કુશ્તીમાં ભારતના એકમાત્ર મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકને ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણી સામેની લડાઈને લઈને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તો, અભિનેત્રી આલિયા ભટ્ટને અભિનય ક્ષેત્રે તેમજ લોક કલ્યાણના કાર્યોમાં યોગદાન માટે આ યાદીમાં સ્થાન મળ્યું છે.
ભારતીય મૂળના આ લોકોને પણ મળ્યું સ્થાન
આ યાદીમાં ભારતીય મૂળના હોલીવુડ અભિનેતા દેવ પટેલનું નામ પણ સામેલ છે. દેવ પટેલ ઈન્ડો-બ્રિટિશ મૂળના અભિનેતા છે. માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા પણ ભારતીય મૂળના વ્યક્તિ છે અને તેમને પણ ટાઈમ મેગેઝીનની આ યાદીમાં સ્થાન મળ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટની લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જીગર શાહને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જીગર શાહનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો.
બિઝનેસમેન અજય બંગાએ પણ ટાઈમ મેગેઝીનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે અને તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. આ લિસ્ટમાં ફેમસ શેફ અસમા ખાનને પણ સ્થાન મળ્યું છે. કોલકાતામાં જન્મેલા અસ્મા ખાન એક જાણીતા શેફ છે અને લંડનની પ્રખ્યાત રેસ્ટોરન્ટ દાર્જિલિંગ એક્સપ્રેસના માલિક પણ છે.
ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં યેલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રિયમવદા નટરાજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં જન્મેલા પ્રિયમવદા નટરાજન યેલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના વિભાગોમાં પ્રોફેસર છે. બ્લેક હોલના અભ્યાસ માટે તેઓ દુનિયાભરમાં જાણીતા છે.


