જુનિયર મહિલા ડોક્ટરને સિનિયરે લાફો માર્યાનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
દર્દીની સારવાર અને ફાઇલના મુદ્દે બોલાચાલી બાદ મામલો વકર્યો : ઘટનાના વિરોધમાં તબીબો-વિદ્યાર્થીઓની વીજળીક હડતાલ
પોલીસે ડો.રામાણી સામે ગુનો દાખલ કર્યો ; મોડી રાતે અધિકારીઓની દખલ બાદ મામલો થાળે પડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર વચ્ચે તબીબો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટનાએ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઇમરજન્સી વિભાગમાં દર્દીને દાખલ રાખવા તેમજ ફાઇલ બતાવવાના મુદ્દે સિનિયર અને જુનિયર તબીબ વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. આ દરમિયાન સિનિયર તબીબ ડો. રામાણીએ જુનિયર મહિલા તબીબ ડો. ક્રિષા શિંગાળાને લાફો મારી ધક્કો માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના વિરોધમાં તબીબો અને વિદ્યાર્થીઓએ કામથી અળગા રહી હડતાલ શરૂ કરી દેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં પોલીસે ડો.રામાણી સામે ગુનો દાખલ કરતા અને હોસ્પિટલના અધિકારીઓની ન્યાયની બાહેધરી બાદ મોડી રાત્રે હડતાળ સમેટાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગત સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં ઇમરજન્સી વિભાગમાં દર્દીને વોર્ડમાં દાખલ રાખવા અને દર્દીની ફાઇલ બતાવવા બાબતે ડો. ક્રિષા શિંગાળા અને સિનિયર તબીબ ડો. રામાણી વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય ચર્ચા હોવાનું મનાતું હતું, પરંતુ મામલો ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. આક્ષેપ મુજબ સિનિયર તબીબે ઉશ્કેરાઈને મહિલા જુનિયર તબીબ સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લાફો મારી ધક્કો માર્યો હતો.
ઘટનાની જાણ થતાં હોસ્પિટલના અન્ય તબીબો અને તબીબી વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જુનિયર તબીબ સાથે હોસ્પિટલના જ સિનિયર તબીબ દ્વારા કથિત રીતે મારપીટ કરવામાં આવી હોવાના વિરોધમાં તબીબો એકત્ર થયા હતા. તબીબોએ કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને ડોક્ટર રામાણીને હટાવો, સિવિલ બચાવો ના મુદ્દે હડતાલ શરૂ કરી હતી. કેટલાક તબીબો અને વિદ્યાર્થીઓએ એકસાથે બેસીને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા.
ડો. ક્રિષા શિંગાળાના જણાવ્યા મુજબ, અગાઉ પણ તેમની સાથે આ પ્રકારની ઘટના બની હોવાની રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમના અન્ય એક સહકર્મી સાથે પણ સિનિયર તબીબ દ્વારા ગેરવર્તન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉની ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હોસ્પિટલની કામગીરી પર પણ અસર પડી હતી. દર્દીઓના સગાં-સંબંધીઓમાં મૂંઝવણ સર્જાઈ હતી. લાંબા સમય સુધી હડતાલ ચાલુ રહેતાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇમરજન્સી સહિતની આવશ્યક સેવાઓને શક્ય તેટલી અસર ન થાય તે માટે વ્યવસ્થા જાળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
હડતાલને પગલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલના ડીન ડો. મોનાલી માકડિયા, આરએમઓ ડો. હર્ષદ દૂસરા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ તબીબો સાથે ચર્ચા કરી સમગ્ર ઘટનાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અધિકારીઓની ખાતરી બાદ તબીબોએ હડતાલ સમેટી હતી.
હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ડો. રામાણી સામે ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની હકીકત, બંને પક્ષની રજૂઆત અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.
આ સમગ્ર ઘટનાએ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ઇમરજન્સી વિભાગ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં મહિલા તબીબ સાથે કથિત રીતે મારપીટ થઈ હોવાના આક્ષેપથી હોસ્પિટલની આંતરિક સલામતી વ્યવસ્થા ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓ, સગાંઓ અને તબીબોની સુરક્ષા માટેની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઘટના બાદ હોસ્પિટલમાં મીડિયા પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. હોસ્પિટલના કેટલાક વિસ્તારોમાં મીડિયાને પ્રવેશ ન આપવાની સૂચનાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
ડો. ક્રિષા શિંગાળાના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં મહિલા તબીબો સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી જરૂરી છે. જો આ મામલે યોગ્ય અને સંતોષકારક નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં વધુ મોટી હડતાલ અને ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉથી જ દર્દીઓની ભીડ, તબીબી સ્ટાફ પરનું કામનું ભારણ અને વ્યવસ્થાને લઈને અનેક વખત સવાલો ઉઠતા રહ્યા છે. હવે તબીબો વચ્ચે જ થયેલી આ ઘટનાએ હોસ્પિટલના આંતરિક વાતાવરણ અને વહીવટી નિયંત્રણ અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે. દર્દીઓના હિતમાં તબીબી સ્ટાફ વચ્ચે સંકલન જળવાય અને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે હિંસક ઘટના ન બને તે માટે તંત્ર કડક પગલાં લે તે જરૂરી બન્યું છે.
મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકથી સરકાર લાલઘૂમ : આરોગ્ય મંત્રીએ સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે સિનિયર તબીબ દ્વારા થયેલી કથિત ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર મામલે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિભાગને કડક સૂચના આપી છે. સરકારના આ વલણથી સ્પષ્ટ થયું છે કે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મહિલા તબીબો અને કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહીં.
ઘટનાની જાણ થયા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ મહિલા તબીબની હિંમત વધારી તેમને સમગ્ર મામલે યોગ્ય ન્યાય અપાવવાની તેમજ તેમની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે કાર્યસ્થળે મહિલા કર્મચારીઓ સાથે સન્માનજનક વ્યવહાર થાય અને તેમને સુરક્ષિત વાતાવરણ મળે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં ફરજ બજાવતા મહિલા તબીબો અને કર્મચારીઓ દર્દીઓની સેવા માટે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. આવા સંજોગોમાં તેમની સાથે અયોગ્ય વર્તન કે ગેરવર્તણૂક થાય તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ પ્રકારની ઘટના સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત જણાશે તો કોઈને પણ છોડવામાં આવશે નહીં.
મંત્રીએ વિભાગને સમગ્ર મામલાની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા અને જરૂરી કાયદેસર પગલાં ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત અને સન્માનજનક કાર્યસ્થળ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં કાર્યસ્થળની સુરક્ષા અને શિસ્તનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. સરકારના કડક વલણ બાદ હવે આરોપી સિનિયર તબીબ સામેની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. મહિલા તબીબોના ગૌરવ અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય તેવો સ્પષ્ટ સંદેશ રાજ્ય સરકારે આપ્યો છે.


