- ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક કર્યો હુમલો
- વિસ્ફોટો બાદ ઈરાની એરસ્પેસમાંથી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ
- લગભગ 8 વિમાનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક કરવામાં આવ્યો હતો. જો કે ઈઝરાયેલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે આ જાણકારી આપી છે. વિસ્ફોટો બાદ ઈરાની એરસ્પેસમાંથી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, લગભગ 8 વિમાનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ઈરાનના ઘણા એરપોર્ટ પર ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તેહરાન, ઇસ્ફહાન અને શિરાઝ એરપોર્ટ પર સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ સિવાય ઈરાને વિવિધ પ્રાંતોમાં સ્થાપિત એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી છે. તમને જણાવી દઈએ કે ઈરાનના ઘણા ન્યુક્લિયર બેઝ ઈસ્ફહાન પ્રાંતમાં છે. ઈરાનનો બહુપ્રતિક્ષિત પરમાણુ કાર્યક્રમ નતાન્ઝ પણ ઈસ્ફહાન પ્રાંતમાં આવેલો છે.
નોંધનીય છે કે 14 એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાને ઈઝરાયલના નેવાટિમ એરપોર્ટને નિશાન બનાવીને 300થી વધુ મિસાઈલો છોડી હતી. જોકે, આ હુમલામાં ઈઝરાયેલને કોઈ નુકસાન થયું નથી.
આ રીતે વિવાદ શરૂ થયો
હાલનો વિવાદ 1 એપ્રિલથી શરૂ થયો હતો. જ્યારે સીરિયામાં ઈરાની એમ્બેસી પર ઈઝરાયેલ દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. સીરિયાની રાજધાની દમાસ્કસ સ્થિત ઈરાની કોન્સ્યુલેટ પર થયેલા આ હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ત્રણ વરિષ્ઠ ઈરાની સેના કમાન્ડર પણ સામેલ છે. હુમલા સમયે આ તમામ લોકો ઈરાની એમ્બેસીની અંદર ચાલી રહેલી મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા. જોકે, ઈઝરાયેલે હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ ઈરાને હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું અને બદલો લેવાની ધમકી પણ આપી હતી.
ઈઝરાયેલના સાથીઓએ હુમલાને નિષ્ફળ બનાવ્યો
ત્યાર બાદ 13 એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલ પર 300થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. અમેરિકાએ કહ્યું હતું કે ઈરાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઈઝરાયેલે પણ આ હુમલાનો જવાબ આપવાની ધમકી આપી છે. ત્યાર બાદ હવે ઈઝરાયેલે ઈરાનના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક શહેર ઈસ્ફહાન પર મિસાઈલ હુમલો કર્યો છે. જો કે ઈઝરાયેલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. જોકે, અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલે ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક મિસાઈલ હુમલો કર્યો હતો.


