ગાંધીનગરથી ઠપકો મળતા અંતે તંત્ર જાગ્યુ : ૨૫ બેડ સાથે અલગથી પેરા મેડીકલ સ્ટાફની વ્યવસ્થા
રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી ગયો છે. જો કે ગઇકાલે થોડી રાહત હતી. પરંતુ મંગળવાર અને બુધવારે શહેર જાણે અગનભઠ્ઠો બન્યુ હોય તેવો અનુભવ શહેરીજનોને થયો હતો. અને આ બે દિવસમાં ૯૪ રાહદારીઓ બેભાન થઇ ગયા હતા. મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં મુકેલા એન્વાયરમેન્ટ સેન્સર મશીનમાં આ વખતે હાઇએસ્ટ તાપમાન મંગળવારે ૪૪ ડીગ્રી નોંધાયુ હતુ. જો કે ગઇકાલે થોડી રાહત હતી. અઠવાડિયા બાદ તાપમાન ફરી ૪૪ ડીગ્રીથી વધી શકે તેવી હવામાન ખાતાની આગાહીના પગલે મનપાએ રાજકોટમાં યલ્લો એલર્ટ જારી કરી દીધુ છે. હીટવેવની વધતી ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલમાં ૨૫ બેડનો ખાસ વોર્ડ ઉભો કરવામા આવ્યો છે. તેના માટે અલગથી પેરા મેડીકલ સ્ટાફ રાખવામા આવ્યો છે.
રાજકોટમાં હીટવેવની અસરથી તબિયત લથડવાની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ બેભાન થઇને ઢળી પડે છે અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે લઇ જવા પડે છે. લૂ લાગવાના બનાવો વધતા સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અલગથી 25 બેડનો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરની સાથે જ પેરા મેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈપણ દર્દીને આ વોર્ડમાં એડમિટ કરવાની જરૂર પડી નથી. છતાં ગરમીમાં વધારો થવાની શક્યતા હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા અલગ વોર્ડ ઊભો કરવાની સાથે લોકો માટે કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે.
સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને લઇ ઠેર-ઠેરથી દર્દીઓ અને તેના સગાઓ અહીં આવતા હોય છે. જેને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ લૂ લાગવાના તેમજ હીટસ્ટ્રોકનાં બનાવો માટે પીએમએસએસવાય બિલ્ડિંગ ખાતે 25 બેડનો ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ વોર્ડ માટે ખાસ ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. જોકે, સદનસીબે હજુસુધી આ વોર્ડમાં કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી.
સ્થાનિક ડિઝાસ્ટર તંત્ર ગાંધીનગરથી ઠપકો મળ્યા પછી ઉંઘમાંથી જાગ્યુ
મંગળવાર અને બુધવારે ૪૪ ડીગ્રી સાથે આભમાંથી થયેલી અગનવર્ષમાં ૯૪થી વધુ રાહદારીઓ રસ્તે બેભાન થઇને ઢળી પડ્યા હતા. આ ઘટના પછી પણ સ્થાનિક ડિઝાસ્ટર તંત્ર નિંભર થઇને ઉઘતુ રહ્યુ હતુ. પરંતુ રાજકોટના આ આકરા હીટવેવમાં સ્થાનિક કક્ષાએ સ્થિતિને પહોંચી વળવા માટે કોઇ એકશન પ્લાન બનાવવામા આવ્યો ન હોવા અંગેની હકિકત મીડિયાના માધ્યમમથી માલુમ પડ્યા બાદ ગાંધીનગરથી કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંબંધિત અધિકારીને આકરો ઠપકો મળ્યો હતો. અને એ પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સફાળુ જાગ્યુ છે.
મનપાએ તમામ આરોગ્ય કેન્દ્રમાં ORS સહિતની સામગ્રીનો પૂરતો સ્ટોક કર્યો
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યુ હતુ કે, હીટવેવથી રાહદારીઓ બેભાન થઇ જવાની ઘટના વધતા તમામ આરોગ્ય કેન્દ્રમાં ઓ.આર.એસ. સહિતની દવાઓનો પુરતો સ્ટોક કરી રખાયો છે. કોઇ રાહદારીને હીટવેવની અસર જેવુ લાગે એટલે તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં પહોંચી જવુ.


