- ફરી એકવાર વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને નીચે જોવાનો વારો આવ્યો
- રશિયાને મોકલેલા ચોખામાં ધનેડાં અને જીવાત નીકળતા રશિયા અકળાયું
- પાકિસ્તાનના ચોખાની આયાત પર પ્રતિબંધ મુકવાની રશિયાએ આપી ધમકી
પાડોશી દેશ પાકિસ્તાનને ફરી એકવાર આખી દુનિયામાં નીચે જોવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ હતીં કે પાકિસ્તાને રશિયાને મોકલેલા ચોખામાં જીવાત નીકળતા રશિયાએ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની ચેતવણી આપી હતી.
રશિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે ભવિષ્યના કન્સાઈનમેન્ટમાં ‘ફાઈટોસેનિટરી’ (પાકની સ્વચ્છતા પ્રક્રિયા) પર ધ્યાન નહીં આપે તો તે ચોખાની આયાત પર પ્રતિબંધ મૂકશે, ચોખાના કન્સાઈનમેન્ટમાં જંતુઓથી ચેપ લાગ્યો હતો. રશિયાની ફેડરલ સર્વિસ ફોર વેટરનરી એન્ડ ફાયટોસેનેટરી સર્વેલન્સ (FSVPS) એ પાકિસ્તાનથી આયાત કરાયેલા ચોખાના કન્સાઈનમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય અને રશિયન ફાયટોસેનિટરી જરૂરિયાતોના ઉલ્લંઘન અંગેની સૂચના જારી કર્યા પછી આ ચેતવણી આપવામાં આવી છે.
પાકિસ્તાન દૂતાવાસને રશિયાએ પત્ર લખ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી એપ્રિલના રોજ જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ચોખાના કન્સાઈનમેન્ટમાં “મેગાસેલિયા સ્કેલેરિસ (લોવે)” નામના જીવડાં હાજર હતા. રશિયામાં પાકિસ્તાન દૂતાવાસના વેપાર પ્રતિનિધિને તાત્કાલિક આ મુદ્દાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. રશિયન અધિકારીઓએ પાકિસ્તાન દૂતાવાસને પત્ર લખીને તમામ પાકિસ્તાની ચોખાના નિકાસકારોને આવા ઉલ્લંઘનોને રોકવા અને બંને દેશો વચ્ચેના વેપારમાં ઉપયોગમાં લેવાતા કૃષિ ઉત્પાદનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘ફાઇટોસેનિટરી’ ધોરણોનું પાલન કરવા જણાવ્યું છે.
રશિયાએ ચેતવણી આપી
મોસ્કોમાં પાકિસ્તાની દૂતાવાસની વેપાર શાખાએ રશિયન ઓથોરિટી તરફથી ખાદ્ય સુરક્ષા મંત્રાલયના પ્લાન્ટ પ્રોટેક્શન વિભાગ અને અન્ય સંબંધિત સરકારી કચેરીઓને પત્ર મોકલ્યો હતો, જેમાં ભવિષ્યમાં ચોખાની નિકાસ પર સંભવિત પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી હતી. રશિયન સત્તાવાળાઓ પાસેથી ફરિયાદો મળી છે. રશિયાએ અગાઉ 2019માં સ્વાસ્થ્ય સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાંથી ચોખાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. તેવી જ રીતે, ડિસેમ્બર-2006માં રશિયાએ ખાદ્ય સુરક્ષાના ધોરણોને પૂર્ણ ન કરવા બદલ પાકિસ્તાનમાંથી ચોખાની આયાત બંધ કરી દીધી હતી.
પાકિસ્તાનને ચોખાના પેકિંગમાં સાવધાની રાખવા સલાહ આપી
દરમિયાન, પાકિસ્તાન રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ ચેલા રામ કેવલાનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ચોખાના નિકાસકારોએ નિકાસ માટે તમામ ચોખાની પસંદગી અને પેકેજિંગમાં ખૂબ કાળજી લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારતના બિન-બાસમતી ચોખાની નિકાસ પરના પ્રતિબંધથી પાકિસ્તાનને ફાયદો થયો હતો, કારણ કે વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતનો હિસ્સો લગભગ 40 ટકા છે. ગયા વર્ષે ભારતે સફેદ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.


