- ત્રણ શખ્સોએ લાકડીઓ, પાઇપ વડે આડેધડ ઘા ઝીંકતા યુવાનને ગંભીર ઇજા
- દુકાનમાં તોડફેડ બાદ તેમાં રહેલો સામાન તળાવમાં ફેકી દીધો
- હુમલો જમીન બાબતે થયો કે પ્રેમપ્રકરણ કારણભૂત..? :
સાયલા તાલુકાના નડાળા ગામે ટાયર પંચર અને વેલ્ડીંગ નું કામ કરતા યુવાન પર સ્થાનિક ત્રણ શખ્સો એ લાકડીઓ,પાઇપ વડે હુમલો કરતા થયેલી ગંભીર ઇજાઓ ને કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
નડાળાના પ્રવિણભાઇ મથુરભાઇ બોરાણીયા નામના યુવાન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને કરાયેલી રજૂઆત મુજબ, બુધવારના દિવસે સવારે પોતાની વેલ્ડીંગ તેમજ ટાયર પંચરની દુકાને કામ કરી રહ્યા હતા તે સમયે ગામના ત્રણ શખ્સો એ આવી કેબીન બંધ કરીને જતો રહેવાનું કહી લાકડીઓ, પાઇપ વડે આડેધડ ઘા મારતા તેને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ફ્સડાઇ પડયો હતો.યુવાનને લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડેલો છોડી હુમલાખોર તત્વો ચાલ્યા ગયા બાદ તેને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાવી ઘરે લવાયા હતા. પરીવારના સભ્યો સાથે યુવાન ઘરે હતો ત્યારે ત્રણે આરોપીઓ તથા તેના મળતીયાઓ દ્વારા તેની દુકાન પર હુમલો કરી અંદર રહેલ ચીજ વસ્તુઓની તોડફેડ કરી વંડો, કેબીન તોડી પાડી જમીનદોસ્ત કરી હતી. આ બાબતે પ્રવિણભાઇ તથા પરીવારના જણાવ્યા મુજબ, દુકાનની જમીન બાબતે હુમલો કરાયો હોવાનું કહેવાય રહ્યું છે જયારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા છે.હાલ તો બાબત જે હોય તે પરંતુ ખોબા જેબડા નડાળા ગામમાં ધોળા દિવસે બોલેલી બઘડાટી બાદ ભોગ બનનાર દ્વારા કરાયેલ જીલ્લા સ્તરે રજૂઆત કરાતા સ્થાનિક પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાનીમાહીતી મળી રહી છે ત્યારે યુવાનની આજીવિકા છીનવાઇ જતા પરીવાર ભયના ઓથાર હેઠળ થરથરી રહ્યો છે.


