- અશ્વેત વ્યક્તિ બોલતો રહ્યો કે મારાથી શ્વાસ લેવાતો નથી છતાં ઘૂંટણથી ગરદન દબાવી
- 53 વર્ષના ફ્રેન્ક ટાયસન પર એક કાર દુર્ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ જવાનો આરોપ
- વાઈરલ વીડિયોમાં પોલીસ તેની હાથકડી ખોલતા અને તેને સીપીઆર આપતાં નજરે પડે છે
અમેરિકામાં 2020માં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની ગર્દન દબાવી જીવ લેવા જેવી રંગભેદની ઘટના ફરી એકવાર સામે આવી છે. ઓહિયો પોલીસે એક અશ્વેત વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો છે જેનું એક સ્થાનિક હોસ્પિટલમાં મોત થયું છે. બોડી કેમ(પોલીસના શરીર પર બાંધવામાં આવેલા કેમેરા)ના આ વીડિયોમાં દેખાય છે કે એક અશ્વેત વ્યક્તિની ગર્દનને પોલીસ અધિકારી પોતાના ઘૂંટણથી દબાવી રાખી છે અને તે વ્યક્તિ પોતાને છોડવા માટે વિનંતી કરી રહ્યો છે અને સાથે બોલી રહ્યો છે કે મારાથી શ્વાસ લઈ શકાતો નથી. તે પછી અધિકારીઓ તેને ફરશ પર પછાડીને તેના બન્ને હાથ પાછળથી બાંધી દે છે અને તેના થોડા સમયમાં તેનું મોત થઈ જાય છે. આ વ્યક્તિની ઓળખ 53 વર્ષના ફ્રેન્ક ટાયસન તરીકે કરવામાં આવી છે અને તેના પર ગત 18 એપ્રિલે એક કાર દુર્ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ જવાનો આરોપ હતો. આ વીડિયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે અને લોકો આ મુદ્દે અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાઈરલ વીડિયોમાં પોલીસ તેની હાથકડી ખોલતા અને તેને સીપીઆર આપતાં નજરે પડે છે.
વાઇરલ થયેલાં વીડિયોમાં શું છે?
ઘટનાના વીડિયોમાં ટાઇસન બૂમો પાડતો દેખાય છે અને કહે છે કે મારાથી શ્વાસ લેવાતો નથી, મારી ગર્દન પણ હલતી નથી. તે સમયે એક પોલીસ તેના પર અકળાય છે અને કહે છે કે શાંત થઈ જા, તું સાજો છે. ટાઇસન પોતાને છોડાવવા માટે થોડો સમય સંઘર્ષ કરે છે અને પછી તેની હલચલ બંધ થઈ જાય છે. પોલીસ કર્મચારીઓ તેની તપાસ કરે છે અને કોઈ બોલતું સંભળાય છે કે શું તે શ્વાસ લઈ રહ્યો છે? તેની પલ્સ ચાલે છે?


