સોમનાથ મંદિર નજીક રક્ષિત શિલાલેખની સ્થિતિ અંગેના સવાલ સામે તંત્રનું ભેદી મૌન
કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા
પુરાતત્વ વિભાગનું પણ ભેદી મૌનથી અનેક તરકવીતર્કો
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાત્રીના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર મચી છે. ડીમોલેશન બાદ હાલ સ્થળ પર કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે. તો સોમનાથના કોંગી ધારાસભ્યએ પણ તંત્રની કામગીરીને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં મધરાત્રીના સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ડીમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુલડોઝર સહિતના સાધનોની મદદથી બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ સ્થળની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પણ હતું. બોર્ડ પર ‘ફારસી શિલાલેખ’ અંગેની માહિતી આપવામાં આવી હતી. બોર્ડ મુજબ અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જીદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.
પુરાતત્ત્વ વિભાગના બોર્ડમાં સ્પષ્ટપણે આ શિલાલેખને ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે પણ જૂનાગઢ સ્ટેટના ‘એનશન્ટ મોન્યુમેન્ટ’ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ હતું. જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી. હવે ડીમોલેશન બાદ આ સ્થળે કાટમાળ જોવા મળતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલ સ્થિતિ શું છે? શિલાલેખને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે કે ડીમોલેશન દરમિયાન તેને કોઈ નુકસાન થયું છે, તે અંગે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તો બીજી તરફ તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળે રક્ષિત સ્મારકની સ્થિતિ અંગે તંત્ર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સોમનાથ ખાતે મંદિર નજીક તંત્ર દ્વારા કરવામાં આવેલી ડીમોલેશનની કામગીરીના અહેવાલો વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવી સમગ્ર કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, એક તરફ તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને બીજી તરફ મધ્યરાત્રિના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કામગીરી કરવામાં આવી છે. જો તંત્રની કામગીરી નિયમોનુસર અને પારદર્શક હોય તો રાત્રિના અંધારામાં કામગીરી કરવાની જરૂર શું પડી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.


