- પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મૂશળધાર વરસાદે મુશ્કેલી વધારી
- બલૂચિસ્તાનમાં વરસાદને લીધે રોડ-રસ્તા પાણીમાં ગરકાવ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બલૂચિસ્તાનના ઘણા જિલ્લાઓમાં શનિવારે અચાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. ક્વેટા ખીણમાં પૂરના કારણે મુખ્ય રાજમાર્ગો અને શહેરો પાણીમાં ડૂબી ગયા હતા.
પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી વધુ અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં વરસાદી કેર યથાવત્ છે. બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે રવિવારે આ માહિતી આપી હતી. રાજધાની ક્વેટા સહિત બલૂચિસ્તાન પ્રાંતના ઘણા જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ અને તોફાનને કારણે અચાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. અનેક શહેરોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. વિભાગે એક નિવેદનમાં કહ્યું, ‘વરસાદ, તોફાન અને અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. આ મૃત્યુ છેલ્લા 48 કલાકમાં થયા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે ક્વેટા ખીણમાં ભારે વરસાદ, તોફાન અને કરા પડ્યા હતા, જેના કારણે મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, “આકસ્મિક પૂરમાં ઘણા ઘરો પણ ધોવાઈ ગયા હતા અને શહેરો અને નગરોમાં અને મુખ્ય ધોરીમાર્ગો પર ભારે ટ્રાફિક જામ થયો હતો,” અધિકારીએ જણાવ્યું હતું કે, નોશકી જિલ્લામાં ક્વેટા-તફતાન હાઈવેના કેટલાક ભાગો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હતું. ઇરાનથી ટ્રાફિક જામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)વહન કરતું એક મોટું ટેન્કર પણ પલટી ગયું.
ચીન અને અમેરિકામાં પણ તબાહી
અમેરિકા અને ચીનમાં પણ તોફાનના કારણે તબાહી જોવા મળી છે. અમેરિકાના પાંચ રાજ્યોમાં 83 ટોર્નેડો આવ્યાના અહેવાલ છે. જેના કારણે શનિવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડું ટેક્સાસથી ગ્રેટ લેક્સ સુધી વિસ્તરેલું હતું. ઓક્લાહોમાના હ્યુજીસ કાઉન્ટીમાં ઈમરજન્સી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તોફાનના પરિણામે એક મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ચીનના ગુઆંગઝુ શહેરમાં ભયંકર તોફાન જોવા મળ્યું છે. આ એક ઔદ્યોગિક વિસ્તાર છે, જે સંપૂર્ણપણે ભંગાર થઈ ગયો છે. તોફાનના કારણે ડઝનેક લોકો ઘાયલ થયા છે. પાંચ લોકોના મોત થયા છે. તોફાન શમી ગયા બાદ ફરીથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


