કોર્પોરેશનમાં 3૦ ટકા સ્ટાફની ઘટ, મહત્વની કામગીરીને ભારે અસર
વર્ગ-૧ની ૧૭ જગ્યાઓ પર વધારાના ચાર્જ કે ઇન્ચાર્જના હવાલે : ૪3૭૬ મંજૂર સામે ૧૮૪3 જગ્યા ખાલી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરનો વિસ્તાર દિવસે-દિવસે વધી રહ્યો છે. મોટા ભાગનો વિસ્તાર મનપામાં ભેળવવામાં આવ્યો છે. પરંતુ મનપામાં મંજૂર જગ્યા સામે ૪૦ ટકા સ્ટાફની અછત જોવા મળી રહી છે. મહત્વના હોદા પર ઇન્ચાર્જથી કામગીરી થતી હોવાથી શહેરના વિકાસ પર તેની અસર થઇ રહી છે. મનપામાં ૧૮૪3 જેટલી જગ્યા હાલ ખાલી છે.
તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડ બેઠકમાં વોર્ડ નંબર 5ના નગરસેવક દ્વારા માંગવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર મનપાની 40 થી વધુ શાખાઓમાં સ્ટાફના અભાવે કામગીરી ખાડે ગઈ છે. વર્ગ-1 ની કુલ 35 મંજૂર જગ્યાઓમાંથી 24 ખાલી છે અને માત્ર 11 ભરાયેલી છે, જ્યારે વર્ગ-2 ની 149 જગ્યાઓમાંથી 29 ખાલી અને 120 ભરાયેલી છે. આ જ રીતે વર્ગ-3 માં 2788 મંજૂર જગ્યાઓ સામે 891 જગ્યાઓ ખાલી (1897 ભરાયેલી) અને વર્ગ-4 માં 1404 મંજૂર જગ્યાઓ સામે 899 જગ્યાઓ ખાલી (505 ભરાયેલી) છે. આમ, વર્ગ 1 થી 4 મળીને કુલ મંજૂર 4376 જગ્યાઓ પૈકી હાલ માત્ર 2533 કર્મચારીઓ જ ફરજ પર છે.
મનપામાં અધિકારીઓની અછતને કારણે વર્ગ-1 ની મહત્વની 17 જગ્યાઓ વધારાના ચાર્જ કે ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે. જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર-1, નાયબ મ્યુનિસિપલ કમિશનર-1, સિટી ઇજનેર સ્પેશ્યલ-2, એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ)-2, એડિશનલ સિટી ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનિક)-1, ડાયરેક્ટર આઇ.ટી.-1, ચીફ ફાયર ઓફિસર-1, ડાયરેક્ટર પે એન્ડ પાર્કસ-1, પર્યાવરણ ઇજનેર-1 અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર-6 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ગ-2 માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) અને ડેપ્યુટી ડાયરેક્ટર (આઇટી) ની જગ્યાઓ પર પણ ઇન્ચાર્જ મુકાયા છે. વર્ગ-1 ની 7 જગ્યાઓ સિલેક્શન કમિટી દ્વારા નામંજૂર કરાઈ હતી અને વર્ગ-2 ની 9 મેનેજર કક્ષાની જગ્યાઓ કોર્ટ કેસના કારણે ભરાઈ શકી નથી.
સ્ટાફની આ મોટી ઘટ વચ્ચે મનપા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વર્ગ-1 માં 14, વર્ગ-2 માં 11, વર્ગ-3 માં 201 અને વર્ગ-4 માં 13 મળીને કુલ 239 જગ્યાઓ પર નવી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દિવ્યાંગો માટે મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ), વર્ક આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિલ્ડ વર્કર સહિતની વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવો દાવો કરાયો છે. બીજી તરફ 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને અડ્ડો જમાવીને બેઠેલા બદલીપાત્ર અધિકારીઓની બદલી ન થતાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.


