ધોરાજી નગરપાલિકામાં રાજકીય ધમાસાણ: વોર્ડ નં.૯ના ભાજપના નગરસેવકે ઢોલ વગાડીને આપ્યું રાજીનામું
પાલિકાના કર્મચારીઓ કામ ન કરતા હોવાના અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો; આઠ-આઠ મહિનાથી કામો અટકેલા હોવાથી કંટાળીને પગલું ભર્યાનો દાવો
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી નગરપાલિકામાં ભાજપના જ શાસનમાં અંદરોઅંદરનો અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર ૯ના ભાજપના નગરસેવકે અત્યંત અનોખી અને આશ્ચર્યજનક રીતે ઢોલ-ધમાકા સાથે પાલિકા કચેરીએ પહોંચી પોતાનું રાજીનામું ઇનવર્ડ કરાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના ભાજપના નગરસેવક પિયુષ જેન્તીભાઇ ચવાડિયા (ઉર્ફે શિવાજી) બે ઢોલીઓને સાથે રાખી ઢોલ વગાડતા વગાડતા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસરને સંબોધીને લખેલું પોતાનું લેખિત રાજીનામું પાલિકાની ઇનવર્ડ શાખામાં વિધિવત રીતે જમા કરાવ્યું હતું.
રાજીનામાના પત્રમાં નગરસેવકે પાલિકાના વહીવટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નં.૯ની જનતાએ તેમને ચૂંટીને મોકલ્યા છે, તેમ છતાં નગરપાલિકાના કર્મચારીઓ નગરસેવકોની અવગણના કરી રહ્યા છે અને વિસ્તારના વિકાસકામો કરી રહ્યા નથી. વધુમાં તેમણે પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો સણસણતો આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે છેલ્લા આઠ-આઠ મહિનાથી પ્રજાના કામો પેન્ડિંગ પડ્યા હોવાથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા છે અને આખરે આ પગલું ભરવા મજબૂર બન્યા છે.
ધોરાજીમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં રહેલી ભાજપ શાસિત પાલિકાના પોતાના જ નગરસેવકે આ રીતે વિરોધ નોંધાવી રાજીનામું આપી દેતાં પક્ષની આબરૂના ધજીયા ઉડ્યા છે. આ મામલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને પદાધિકારીઓએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું અને મૌન સેવી લીધું છે. રાજીનામાની આ અનોખી ઘટનાને લઈને સમગ્ર ધોરાજી શહેરમાં તરેહ-તરેહની ચર્ચાઓ જાગી છે.


