મોવિયાની સીમમાં ધોળા દિવસે 7.95 લાખની ચોરી કરનાર ઘાંટવડ ગેગનો પર્દાફાસ
ચાંદી-રોકડની ચોરી બાદ નાના ભાઈના લગ્નમાં 2.80 લાખ વાપરી નાખ્યા; રૂરલ એલસીબીએ દંપતી સહિત ત્રણને ઝડપી રૂ.8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં આવેલી વાડીમાં દિવસ દરમિયાન ત્રાટકીને લાખો રૂપિયાની ચાંદી અને રોકડની ચોરી કરનાર ઘાંટવડ ગેંગનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે દંપતી સહિત ત્રણ શખ્સોને ઝડપી તેમની પાસેથી 4 કિલો 915 ગ્રામ ચાંદી અને રૂ.80 હજાર રોકડ મળી કુલ રૂ.8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરી કરેલી રકમમાંથી રૂ.2.80 લાખ નાના ભાઈના લગ્નમાં ખર્ચી નાખ્યાની ચોંકાવનારી કબૂલાત પણ આરોપીઓએ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.
ગોંડલ તાલુકાના મોવિયા-કંટોલિયા રોડ પર આવેલી વાડીમાં પરપ્રાંતીય શ્રમિક તરીકે રહેતા નનેશભાઈ અબલાભાઈ માવીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત તા.14ના રોજ દિવસ દરમિયાન મકાનના તાળા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ઘઉંની કોઠીના તાળાના મિજાગરા પણ તોડી નાખ્યા હતા. ત્યારબાદ મકાનમાં રાખેલી ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી અંદાજે રૂ.7.95 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરીમાં તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આરોપીઓના સંભવિત રૂટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. આ દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પોલીસના ધ્યાને આવી હતી. બીજી તરફ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતી ઘાંટવડિયા ગેંગ સક્રિય હોવાની બાતમી મળતાં પોલીસે તપાસનો દોર તે દિશામાં લંબાવ્યો હતો.
તપાસ દરમિયાન ગોંડલ-ગુંદાળા ચોકડી નજીકના ખુલ્લા પ્લોટમાં ઝૂંપડામાં રહેતા કેટલાક શખ્સો પર પોલીસની નજર ગઈ હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં શંકાસ્પદો ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ભુણાવા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. અહીંથી ચાંદીના દાગીના અને રોકડ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે લખન વિજય રાઠોડ (ઉ.વ.23), ચેતન વિજય રાઠોડ (ઉ.વ.20) અને નિશા વિજય રાઠોડ (ઉ.વ.22), ત્રણેય રહે. ઘાંટવડ ગામ, બસસ્ટેન્ડ પાસે, કોડીનાર,ને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોવિયાની વાડીમાં ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓ પાસેથી ચાંદીના વાઘ બે નંગ, કમરપટ્ટા બે, સાંકળી-માળા બે, બાવડામાં પહેરવાના જેલા બે, બંગડીઓ આઠ, ઘુઘરી સાંકળા એક જોડી, સાંકળા એક જોડી, કાંડાના મઠિયા બે તથા ચાંદીના કડા મળી કુલ 4 કિલો 915 ગ્રામ ચાંદી, જેની કિંમત આશરે રૂ.7.37 લાખ છે, તેમજ રૂ.80 હજાર રોકડ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં વધુ એક રસપ્રદ હકીકત સામે આવી છે. પકડાયેલા લખન અને નિશા પતિ-પત્ની છે, જ્યારે ચેતન લખનનો નાનો ભાઈ છે. ઘાંટવડ ખાતે રહેતા તેમના નાના ભાઈ શંકરના લગ્ન માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં ગેંગે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ચોરી બાદ આરોપીઓ પોતાના વતન ઘાંટવડ પહોંચ્યા હતા અને ગત રવિવારે યોજાયેલા લગ્નમાં ચોરીની રોકડમાંથી રૂ.2.80 લાખ ખર્ચી નાખ્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ ગુંદાળા ચોકડી નજીક ઝૂંપડામાં રહેતી હતી. ત્યાંથી દિવસ દરમિયાન પગપાળા ગ્રામ્ય વિસ્તારોમાં નીકળી ખેતરો અને વાડીઓમાં આવેલા બંધ મકાનોની રેકી કરવામાં આવતી હતી. જે મકાન બંધ જણાય ત્યાં તાળા તોડી દિવસના સમયે જ ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવતો હતો. મોવિયાની વાડીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા રૂપસંગ રસીક રાઠોડ, રહે. ભુજ, મૂળ ઘાંટવડ, પોલીસના હાથમાં આવ્યો નથી. તેને ઝડપી લેવા માટે એલસીબીની ટીમે શોધખોળ તેજ કરી છે.


