- ભીષણ ગરમીને લીધે ફિલિપાઈન્સના અનેક વિસ્તારમાં હાલાકી
- પાણી સુકાઈ ગયા બાદ આ વિસ્તાર પર્યટન સ્થળ બની જાય છે
- 50 વર્ષ અગાઉ ડૂબી ગયેલું શહેર ડેમનું પાણી સુકાઈ જતા લોકો જોવા ઉમટયાં
ફિલિપાઈન્સ દેશમાં હાલ ભીષણ ગરમીનો કેર જોવા મળી રહ્યો છે. ગરમી એટલી બધી દઝાડી રહી છે કે એનું અનુમાન તમે એ વાતથી લગાવી શકો છે કે અહીં આવેલા ડેમનું પાણી સુકાઈ ગયું હતું. એક મોટા જળાશયનું પાણી સુકાઈ જતા 300 વર્ષ જૂનું એક પ્રાચીન શહેર ઉપર આવ્યું છે. નેશનલ સિંચાઈ વહીવટી તંત્રના એન્જિનિયરે જણાવ્યું કે ઘણા મહિનાઓથી વરસાદ નથી થયો. જેથી માર્ચમાં નુએવા એસિઝા પ્રાંતમાં પેંટાબાંગન ડેમનું પાણી સુકાઈ ગયું. આ કારણે હવે એક ચર્ચ, મકબરો અને એક ટાઉનહોલ સહિત મુખ્ય માળખા જોવા મળ્યાં છે.
આ ટાઉનનું નામ પેંટાબંગન છે. 1970માં જ્યારે ડેમ બનાવવામાં આવ્યો ત્યારે જળાશયને લીધે પાણીની નીચે આવી ગયો હતો. અત્યારે ફિલિપાઈન્સનો આશરે અડધો હિસ્સો દુષ્કાળની ઝપટે ચઢયો છે. આ કારણે ડેમનું જળસ્તર પણ નીચે ગયું છે. ફિલિપાઈન્સ સરકારની હવામાન એજન્સીના આંકડાઓ પ્રમાણે 30 એપ્રિલે અહીં સ્તરથી 50 મીટર ઓછું હતું. સરકારી અધિકારીએ જણાવ્યું કે ડેમ બન્યા પછી આ છઠ્ઠીવાર આ શહેર એકવાર ફરી જોવા મળ્યું છે. પરંતુ આ વખતે સૌથી લાંબા સમય સુધી જોવા મળ્યું છે.
ભારે ગરમીના કારણે શાળા અને ઓફિસ બંધ
જ્યારે પણ પાણીનું સ્તર નીચે જાય છે ત્યારે આ નિર્જન નગર પર્યટન સ્થળ બની જાય છે. દક્ષિણપૂર્વ એશિયાના મોટાભાગના ભાગોની જેમ, ફિલિપાઈન્સમાં પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ગરમી પડી રહી છે. અહીં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. PAGASA હવામાનશાસ્ત્રી બેનિસન એસ્ટારેઝાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાન વધુ વધી શકે છે.
ગરમી જીવલેણ બની જાય છે
ફિલિપાઇન્સમાં એપ્રિલ અને મે સામાન્ય રીતે ગરમ હોય છે. અહીં સરેરાશ તાપમાન 30 થી ઉપર રહે છે. PAGASAના ડેટા મુજબ છેલ્લા પાંચ દિવસમાં કેટલાક વિસ્તારોમાં હીટ ઇન્ડેક્સ 40 ડિગ્રીને વટાવી ગયો છે. ફિલિપાઈન્સ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કાળઝાળ ગરમીના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. થાઈલેન્ડમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં હીટસ્ટ્રોકના કારણે 30 લોકોનાં મોત થયા છે. થાઈલેન્ડનું કહેવું છે કે 2023માં તાપમાન 37 ડિગ્રી હતું. પરંતુ મ્યાનમારના સરહદી વિસ્તારો પાસે તે 45 ડિગ્રીથી ઉપર છે.


