મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત
મંદિરમાં દર્શન કરવા ગયેલા રાજેન્દ્રસિંહ ઢળી પડ્યા, શાપરમાં બસની ઠોકરે ત્રણ વર્ષના માસૂમની મોત, હીંચકામાં રમતી બાળકી નીચે પટકાતા મોતની ભેટી
અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ બનેલી ચાર કરૂણ ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના મોત નિપજતાં પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રેલનગરમાં મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા 57 વર્ષીય રાજેન્દ્રસિંહ જાડેજા અચાનક ઢળી પડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. જ્યારે શાપર-વેરાવળમાં ઘર બહાર રમી રહેલા માત્ર ત્રણ વર્ષના બાળક મહેન્દ્રને સ્કૂલ બસની ઠોકર લાગતાં તેનું મોત થયું હતું. બીજી તરફ ગવરીદળમાં 29 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જામકંડોરણાના ધોળીધારમાં હીંચકા પર ઝૂલતી 12 વર્ષની બાળકી પર સિમેન્ટના પિલ્લરનો ભાગ પડતાં ગંભીર ઇજા થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
રેલનગરમાં ઘર નજીક મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ.57) અચાનક બેભાન થઈ ઢળી પડતાં હાજર દર્શનાર્થીઓએ 108ને જાણ કરી હતી. પરિવારજનોને જાણ કરી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રનગર પોલીસે કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૂળ ખાખરાના વતની રાજેન્દ્રસિંહ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બે ભાઈ તથા એક બહેનમાં મોટા હતા. સગાઓએ હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેઓ નિયમિત મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા અને ગત દિવસે પણ દર્શન કરવા ગયા ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.
શાપર-વેરાવળના ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘર બહાર રમી રહેલા ત્રણ વર્ષના મહેન્દ્ર માનસિંગભાઈ જાદવને ખાનગી સ્કૂલ બસની ઠોકર લાગતાં ગંભીર ઇજા થઈ હતી. બસના ચાલકે જ બાળકને સારવાર માટે ખસેડ્યો હતો. શાપરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા મહેન્દ્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી બસ ડિટેઇન કરી હતી અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ કરી હતી. મૂળ મધ્યપ્રદેશના પરિવારનો મહેન્દ્ર એક બહેન અને બે ભાઈમાં બીજો હતો. લાડકવાયા પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને મૃતદેહને અંતિમવિધિ માટે વતન મધ્યપ્રદેશ લઈ જવાયો હતો.
કુવાડવા તાબેના ગવરીદળમાં વાડી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય ભાવનાબેન રાજેશભાઈ નાયકાએ જીવજંતુ મારવાની દવા પી લેતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૂળ છોટાઉદેપુરના ભાવનાબેન પતિ સાથે ખેતમજૂરી કરતા હતા અને ત્રણેક મહિનાથી પરિવાર સાથે ગવરીદળની વાડીમાં રહેવા આવ્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે આ પગલું શા માટે ભર્યું તે અંગે પતિ અજાણ હોવાથી કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે. માતાના મોતથી બે સંતાન માતાવિહોણાં થતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
જામકંડોરણાના ધોળીધારમાં 12 વર્ષીય આરઝુ સલીમભાઈ મકરાણી ઘરે હીંચકા પર ઝૂલી રહી હતી ત્યારે સિમેન્ટના પિલ્લરનો એક ભાગ તૂટી પડતાં તે નીચે પટકાઈ હતી. પિલ્લરનો ભાગ માથામાં વાગતાં તેને ગંભીર ઇજા થઈ હતી. પ્રથમ ગોંડલની હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટ એઇમ્સ અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી આરઝુએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી આરઝુ એક ભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતી. પુત્રીના અચાનક મોતથી ખેતીકામ કરતા સલીમભાઈના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.


